પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન, દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા ડો. મનમોહન સિંહજીનું 92 વર્ષની વયે નિધન થયું હતું. નાદુરસ્ત તબિયતને કારણે તેમને એઈમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો.મનમોહન સિંહજીના નિધનને પગલે દેશના સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના આગેવાન સોનિય ગાંધી સહિતના નેતાઓએ પૂર્વ વડાપ્રધાનના નિધનને પગલે દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજિલ અપર્ણ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આજે તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસે આજે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યાં હતા. રાજકીય સન્માનની સાથે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ભારતમાં આર્થિક સુધારાના પ્રણેતા ગણાતા પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહજીનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમનું સ્વાસ્થ્ય કથળતા તેમને દિલ્લી AIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. મનમોહન સિંહજીના નિધનને પગલે દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ડો. મનમોહન સિંહજીનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના રોજ પશ્ચિમ પંજાબ એટલે હાલના પાકિસ્તાનના ગાહ ગામમાં થયો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી. તેઓએ 22 મે 2004થી વર્ષ 2014 સુધી સતત 10 વર્ષ પ્રધાનમંત્રી પદે આરૂઢ રહ્યા હતા. તો વર્ષ 1991થી 1996 સુધી નરસિમ્હા રાવની સરકારમાં નાણા મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. અને નાણામંત્રી તરીકે તેમના કાર્યો આર્થિક બાબતોમાં ઘણા નિર્ણાયક રહ્યા હતા.