નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીનું અવસાન, પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીનું લંડનમાં સારવાર દરમિયાન 82 વર્ષની વયે અવસાન થયું હતુ. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, "નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. હું વિવિધ પ્રસંગોએ આપણી મુલાકાતો અને વાતચીતોને યાદ કરું છું. તેમની પાસે શાણપણ, હૂંફ અને ભારત-નાઇજીરીયા મિત્રતા પ્રત્યે અટલ પ્રતિબદ્ધતા હતી. હું ભારતના 1.4 અબજ લોકો સાથે તેમના પરિવાર, નાઇજીરીયાના લોકો અને સરકાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું." તે જ સમયે, નાઇજીરીયાના વર્તમાન રાષ્ટ્રપતિ, બોલા અહેમદ ટીનુબુએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને બુહારીના મૃતદેહને નાઇજીરીયા લાવવા માટે ઉપરાષ્ટ્રપતિ કાશીમ શેટ્ટીમાને લંડન મોકલ્યા છે. ઉપરાંત, તેમના માનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુહમ્મદુ બુહારીનો જન્મ 17 ડિસેમ્બર 1942 ના રોજ થયો હતો. તેમણે નાઇજિરિયન સેનામાં લાંબો સમય વિતાવ્યો અને બાદમાં રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી. તેઓ 1983 થી 1985 સુધી લશ્કરી શાસક તરીકે સત્તામાં રહ્યા અને પછી 2015 માં લોકશાહી રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ નાઇજિરીયાના ઇતિહાસમાં પ્રથમ વિપક્ષી ઉમેદવાર હતા જેમણે વર્તમાન રાષ્ટ્રપતિને હરાવીને ચૂંટણી જીતી હતી.
તેઓ 2019 માં ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને બે કાર્યકાળ પૂર્ણ કર્યા, 29 મે 2023 ના રોજ બોલા ટીનુબુને સત્તા સોંપી. તેમના શાસનકાળ દરમિયાન, બુહારીએ ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું - સુરક્ષા, ભ્રષ્ટાચાર પર નિયંત્રણ અને અર્થતંત્રનું વૈવિધ્યકરણ. તેમણે ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં બોકો હરામ આતંકવાદીઓ સામે કડક ઝુંબેશ શરૂ કરી અને દેશમાંથી લૂંટાયેલા નાણાં પાછા મેળવવા માટે મજબૂત પગલાં લીધાં. તેમના કાર્યકાળમાં કૃષિ અને માળખાગત સુવિધાઓના વિકાસને પણ વેગ મળ્યો, જોકે તેમણે બે આર્થિક મંદી અને વધતી જતી અસુરક્ષાના પડકારોનો પણ સામનો કરવો પડ્યો.ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બુહારીને રાષ્ટ્રીય હિતમાં શિસ્તબદ્ધ, પ્રામાણિક અને નિર્ણય લેનારા નેતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમનું મૃત્યુ માત્ર નાઇજીરીયા માટે જ નહીં પરંતુ આફ્રિકન અને વૈશ્વિક રાજકારણ માટે પણ એક મોટું નુકસાન છે.