For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

12:30 PM Aug 04, 2025 IST | revoi editor
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન  નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
Advertisement

નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના સ્થાપક શિબુ સોરેનનું સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ફોન પર વાત કરીને શોક વ્યક્ત કર્યો.

Advertisement

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં લખ્યું છે કે, "શિબુ સોરેન એક પાયાના નેતા હતા જેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે ઊંચાઈઓ સ્પર્શી હતી. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત હતા. તેમના નિધનથી દુઃખ થયુ. મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી." 

શિબુ સોરેનના નિધનના સમાચાર મળતા જ ઝારખંડમાં શોકનું મોજું ફરી વળ્યું. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. શિબુ સોરેનનું સમગ્ર રાજકીય જીવન આદિવાસી અધિકારો, સામાજિક ન્યાય અને પ્રાદેશિક ઓળખ માટેના સંઘર્ષ માટે સમર્પિત હતું. તેમણે ઝારખંડ રાજ્યના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને આદિવાસી સમાજનો અવાજ સંસદમાં પહોંચાડ્યો હતો.

Advertisement

શિબુ સોરેનનો જન્મ 11 જાન્યુઆરી 1944ના રોજ બિહારના હજારીબાગમાં થયો હતો. તેમને દિશામ ગુરુ અને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસીઓના શોષણ સામે તેમનો લાંબો સંઘર્ષ રહ્યો હતો. તેમણે 1977માં પહેલી વાર ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, 1980થી તેઓ સતત ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા. તેમણે બિહારથી અલગ રાજ્ય 'ઝારખંડ' બનાવવાના આંદોલનમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેઓ ત્રણ વખત (2005, 2008, 2009) ઝારખંડના મુખ્યમંત્રી બન્યા, પરંતુ એક પણ કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં.

Advertisement
Tags :
Advertisement