ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે.કસ્તૂરીરંગનનું નિધન
બેંગ્લોરઃ ISRO ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ. કે. કસ્તુરીરંગનનું નિધન થયું છે. શુક્રવારે ૮૪ વર્ષની ઉંમરે તેમણે બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ભારતની અવકાશ વૈજ્ઞાનિક સિદ્ધિઓમાં ડૉ. કસ્તુરીરંગનનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તેઓ ૧૯૯૪ થી ૨૦૦૩ સુધી ઈસરોના અધ્યક્ષ હતા. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણા મહત્વપૂર્ણ ઉપગ્રહ પ્રક્ષેપણ કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું.
ડૉ. કૃષ્ણાસ્વામી કસ્તુરીરંગન યોજના આયોગના સદસ્ય રહી ચૂક્યા છે. તેમણે 27 ઓગસ્ટ 2003 પહેલા પોતાનો કાર્યકાળ છોડતા પહેલા અંતરિક્ષ આયોગના ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના અધ્યક્ષ અને અંતરિક્ષ વિભાગમાં ભારત સરકારના સચિવના રૂપમાં 9 વર્ષોથી પણ વધુ સમય સુધી રહીને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમોને શાનદાર રૂપમાં આગળ વધાર્યો. અગાઉ તેઓ ઇસરો સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર હતા, જ્યાં તેમણે નવી પેઢીના અવકાશયાન, ભારતીય રાષ્ટ્રીય ઉપગ્રહ (INSAT-2) અને ભારતીય દૂરસ્થ સંવેદના ઉપગ્રહો (IRS-1A અને 1B) તેમજ વૈજ્ઞાનિક ઉપગ્રહોના વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.