હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, ગુરુગ્રામ મેદાન્તામાં અંતિમ શ્વાસ લીધા
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને INLDના વડા ઓમપ્રકાશ ચૌટાલાનું શુક્રવારે નિધન થયું છે. ગુરુગ્રામ મેદાન્તામાં બપોરે લગભગ 12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મેદાન્તામાં સારવાર હેઠળ હતા. શુક્રવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને સવારે 11.35 વાગ્યે મેદાંતા સ્થિત ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. મેદાંતા પ્રશાસને તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. ડૉક્ટરોએ તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ ગણાવ્યું છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારે 8 થી 2 વાગ્યા સુધી સિરસાના તેજા ખેડા ફાર્મમાં રાખવામાં આવશે. બપોરે 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તેમનો જન્મ સિરસાના ચૌટાલા ગામમાં થયો હતો
ઓમ પ્રકાશ ચૌટાલાનો જન્મ 1 જાન્યુઆરી, 1935ના રોજ સિરસાના ચૌટાલા ગામમાં થયો હતો. ચૌટાલા પાંચ વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે. ચૌટાલા 2 ડિસેમ્બર, 1989ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 22 મે 1990 સુધી આ પદ પર રહ્યા. ચૌટાલાએ 12 જુલાઈ, 1990ના રોજ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી બનારસી દાસ ગુપ્તાને બે મહિનાની અંદર પદ પરથી હટાવી દેવામાં આવ્યા. જોકે, ચૌટાલાએ પણ પાંચ દિવસ બાદ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. 22 એપ્રિલ 1991ના રોજ ચૌટાલાએ ત્રીજી વખત સીએમ પદ સંભાળ્યું. પરંતુ તેના બે સપ્તાહ બાદ જ કેન્દ્ર સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું.
સીએમ સૈનીએ શોક વ્યક્ત કર્યો હતો
મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે હરિયાણાની રાજનીતિમાં ઓમપ્રકાશ ચૌટાલાના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ લખ્યું, 'હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા જીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેઓ વર્ષો સુધી રાજ્યના રાજકારણમાં સક્રિય રહ્યા અને ચૌધરી દેવીલાલ જીના કાર્યને આગળ ધપાવવા સતત પ્રયાસો કર્યા. શોકની આ ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.