ફોરેન્સિક વિજ્ઞાન દેશની ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ખૂબ ઉપયોગીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશની ન્યાય વ્યવસ્થાને લોકો-કેન્દ્રિત અને વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર બધાને સમયસર ન્યાય મળે અને મળેલા ન્યાયથી સંતોષ થાય તે માટે કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે, ફોરેન્સિક વિજ્ઞાન દેશની ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ખૂબ ઉપયોગી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષિત અને સક્ષમ ભારતનું નિર્માણ કરવાનો છે. ફોરેન્સિક સાયન્સ વિના, મહત્તમ કેસમાં સમયસર ન્યાય અને સજા પૂરી પાડવી શક્ય નથી. ત્રણ નવા ફોજદારી કાયદા 21મી સદીના સૌથી મોટા સુધારા છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રાજેશ બિંદલ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયાધીશ (નિવૃત્ત) વી. રામાસુબ્રમણ્યમ, એટર્ની જનરલ આર વેંકટરામણીએ પણ સમિટને સંબોધિત કરી હતી.