IPLમાં કરોડો રૂપિયામાં વેચાયા વિદેશી ખેલાડીઓ, શું આના પર પણ ટેક્સ ભરવો પડશે?
IPL મેગા ઓક્શનમાં 10 ફ્રેન્ચાઈઝીઓએ 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. આ હરાજીમાં 182 ખેલાડીઓ વેચાયા હતા, જેમાંથી 62 વિદેશી ખેલાડીઓ છે. આ હરાજીમાં રિષભ પંત સૌથી વધુ બોલી પર વેચાઈને ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું IPLના વિદેશી ખેલાડીઓએ પણ ભારત સરકારને ટેક્સ ચૂકવવો પડશે?
IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય T20 ક્રિકેટ લીગ છે. આ લીગમાં વિશ્વભરના ઘણા મહાન ક્રિકેટરો ભાગ લે છે. આ ખેલાડીઓને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવે છે, પરંતુ શું આ વિદેશી ખેલાડીઓએ પણ ભારતમાં તેમની આવક પર ટેક્સ ચૂકવવો પડશે? વાસ્તવમાં, ભારત સરકાર ભારતીય ખેલાડીઓના પગાર પર 10% ટેક્સ લાદે છે. આ ટેક્સ IPL ફ્રેન્ચાઇઝી દ્વારા ખેલાડીને ચુકવણી કરતા પહેલા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) ના રૂપમાં કાપવામાં આવે છે. બીજી તરફ વિદેશી ખેલાડીઓના પગાર પર 20% ટેક્સ કાપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ખેલાડીને 10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવે છે, તો તે ખેલાડીને પૈસા ચૂકવતા પહેલા, ફ્રેન્ચાઇઝી ટેક્સ પેટે 1 કરોડ રૂપિયાની રકમ કાપી લે છે. બીજી તરફ, જો કોઈ વિદેશી ખેલાડીને રૂ. 10 કરોડમાં ખરીદવામાં આવે છે, તો ફ્રેન્ચાઇઝી પેમેન્ટ કરતા પહેલા રૂ. 2 કરોડ ટેક્સ તરીકે કાપે છે. આ કપાયેલ ટીડીએસ ખેલાડીઓ વતી ભારત સરકારને જમા કરવામાં આવે છે.
નોંધનીય છે કે જે વિદેશી ખેલાડીઓ નાણાકીય વર્ષમાં 182 દિવસથી વધુ સમય સુધી ભારતમાં હાજર રહે છે તેઓ ભારતીય આવકવેરા કાયદા હેઠળ આવે છે. આવા કિસ્સાઓમાં, IPL ટીમો પાસેથી મળેલા નાણાં તેમની કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે. જે વિદેશી ખેલાડીઓ નાણાકીય વર્ષમાં 182 દિવસથી વધુ સમય સુધી ભારતમાં હાજર ન હોય તેઓની ભારતીય આવકવેરા કાયદા મુજબ તેમની સંપૂર્ણ આવક પર ટેક્સ લાગતો નથી. આ ક્રિકેટરો માત્ર આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 194E હેઠળ ટીડીએસને પાત્ર છે.