For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં વ્યાજખોરોની મિલ્કત જપ્ત કરાઈ

05:18 PM May 16, 2025 IST | revoi editor
દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં વ્યાજખોરોની મિલ્કત જપ્ત કરાઈ
Advertisement

અમદાવાદઃ વ્યાજખોરોએ વ્યાજખોરી દ્વારા મેળવેલા ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત કરવામાં આવી હતી. વ્યાજખોરીના દૂષણને ડામવા બારીક તપાસને અંતે કરેલી આ કડક કાર્યવાહી બદલ કચ્છ પૂર્વના એસ.પી તથા સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે, ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ ન આવે તે પ્રકારનો દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થઇ છે. આ નોંધપાત્ર કાર્યવાહી બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના એસ.પી. સાગર બાગમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ કાર્યવાહીએ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિને રેખાંકિત કરી છે.

Advertisement

ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંજાર પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (જી.સી.ટી.ઓ.સી.) કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં આરોપીઓએ વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ 63.46 લાખ રૂપિયાની મિલ્કત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત કરવામાં આવી છે, જે દેશના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી તરીકે નોંધાઈ છે.

મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરના પોલીસ સ્ટેશનોને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ગેરકાયદેસર મિલ્કતો જપ્ત કરવા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તેમની ટીમે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ—રિયાબેન ઇશ્વરગર ગૌસ્વામી, આરતીબેન ઇશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઇશ્વરગર ગૌસ્વામી, રહે. મંકલેશ્વર, અંજાર—સામે કાર્યવાહી કરી. આ આરોપીઓએ “Organized Crime Syndicate” બનાવી, આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હતા.

Advertisement

જપ્ત કરાયેલી મિલ્કતોમાં રિયાબેનના નામે મેઘપર બોરીચીમાં એક પ્લોટ (2.52 લાખ), મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી (14.79 લાખ), અને અંજારમાં દેવનગરમાં પ્લોટ (12.42 લાખ); આરતીબેનના નામે અંજારના દેવનગરમાં પ્લોટ (6.45 લાખ); તેમજ આરોપીઓની માતાનાં નામે મેઘપર બોરીચીમાં બે પ્લોટ (60 હજાર અને 12.94 લાખ) અને અંજારમાં ગંગોત્રી-02માં પ્લોટ (13.71 લાખ)નો સમાવેશ થાય છે. આ કુલ મિલ્કતોની કિંમત 63.46 લાખ રૂપિયા છે. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ્યો, જેમાં અનેક ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને જી.સી.ટી.ઓ.સી. કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે આ મિલ્કતોની ઝડતી અને જપ્તીની પ્રક્રિયા પૂર્ણ કરી, જેની દરખાસ્ત ગૃહ વિભાગ, ગાંધીનગરને મોકલવામાં આવી હતી. ગૃહ વિભાગના હુકમ આધારે આ મિલ્કતોને જપ્ત કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement