રાજકોટમાં શિક્ષણના હેતુ માટે ફાળવેલી કરોડોની કિંમતી જમીન પર ખાણીપીણીની બજાર
- વિરાણી હાઈસ્કૂલની જમીનનો કોમર્શિયલ ઉપયોગ સામે વિરોધ
- ક્રિકેટ અને ફુટબોલના મેદાન પણ ભાડે અપાયેલા છે
- શરતભંગની કાર્યવાહી કરવા હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓની માગ
રાજકોટઃ શહેરમાં વર્ષો જુની એટલે કે આઝાદી કાળથી કાર્યરત વિરાણી હાઈસ્કૂલની કરોડોની કિંમતી જમીનનો કોમર્શિય હેતુ માટે ઉપયોગ થતાં વિરોધ ઊભો થયો છે. વિરાણી હાઈસ્કૂલની જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલી છે. છતાં હાઈસ્કૂલના કેમ્પસમાં ખાણીપીણીની બજાર ઊભી થઈ ગઈ છે. ઉપરાંત ક્રિકેટ અને ફૂટબોલ માટે મેદાન ભાડે આપવામાં આવેલા છે. એટલે કે, કોમર્શિયલ હેતુ માટે આ મેદાનનો ઉપયોગ થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં વર્ષ 1946માં સદર વિસ્તારમાં વિરાણી હાઈસ્કૂલ કાર્યરત હતી. બાદમાં 1951માં શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય માટે સરકાર દ્વારા શહેરના ટાગોર રોડ ઉપર હેમુ ગઢવી હૉલની પાછળ રામકૃષ્ણનગરમાં 41,529 ચોરસ મીટરની અંદાજિત 1000 કરોડની જમીન શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવી હતી. જેમાંથી 1200 સ્ક્વેર મીટર જગ્યામાં ખાણી-પીણીની બજાર ઊભી થઈ ગઈ છે, તો ક્રિકેટ અને ફૂટબોલ માટે મેદાન ભાડે આપવામાં આવેલા છે. એટલે કે, કોમર્શિયલ હેતુ માટે આ મેદાનનો ઉપયોગ થાય છે. વર્ષ 2020માં 5,733.69 ચોરસ મીટર જમીન વેચવા માટે નવા ટ્રસ્ટીઓ દ્વારા ચેરિટી કમિશનરમાં અરજી કરવામાં આવી હતી. જોકે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવેલી કાયદાકીય લડતને પગલે વહીવટી તંત્રએ આ જમીનને વહેંચી નહીં તેવો ચુકાદો આપ્યો હતો. જે બાદ પશ્ચિમ મામલતદાર અને પ્રાંત અધિકારીએ કરેલી તપાસમાં સામે આવ્યું કે, શૈક્ષણિક હેતુ માટે આપેલી જમીનનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે, જેથી તેમાં શરત ભંગની કાર્યવાહી થઈ શકે છે. આ રિપોર્ટ હાલ કલેકટર કચેરી ખાતે મોકલવામાં આવેલો છે.
વિરાણી હાઈસ્કૂલના મેદાનને બચાવવા માટે લડત ચલાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વિરાણી હાઇસ્કુલ મેદાનમાં ખાણી-પીણીની બજાર, ક્રિકેટ અને ફૂટબોલ કોટ તથા તગડી ફી વસૂલવા માટે ખાનગી કોલેજ ચાલી રહી છે, તે તમામ ગેરકાયદેસર છે. શરત ભંગ હોવાથી આ તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવવી જોઈએ. અહીં અગાઉ દેશી રમતો, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, મલખમ, ઊંચો કૂદકો અને લાંબો કૂદકો જેવી રમતો રમાતી જે હાલ બંધ થઈ ગઈ છે અને તેથી અહીં ભણતા 500 થી વધુ વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. જો આવું જ ચાલશે તો ભવિષ્યમાં વિરાણી હાઇસ્કુલનું મેદાન જ ખતમ થઇ જશે. જેથી વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, શરતભંગની કાર્યવાહી થાય તેવી માગ ઊઠી છે.