સુરેન્દ્રનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્યતેલની બે કંપનીમાં ચેકિંગ કર્યું
- પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા,
- બન્ને કંપનીમાંથી ખાદ્યતેલના 10 નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા,
- ખાદ્યતેલમાં ભેળસેળ હશે તો કડક કાર્યવાહી કરાશે
સુરેન્દ્રનગરઃ ખાદ્યતેલોમાં ભેળસેળ વધતી જાય છે. ત્યારે રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ તેમજ પુરવઠા વિભાગ દ્વારા શહેરની બે ઓઈલ કંપનીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. અને ખાદ્યતેલના 10 જેટલા નમુના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
દીવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોના જનઆરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો તેમજ ડિસ્કો તેલ વેચાતું હોવાનું ધ્યાને આવતા તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. જિલ્લામાં વેચાતા ખાદ્યતેલની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાના હેતુથી ફૂડ સેફ્ટીની ટીમે ખાદ્યતેલનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન, વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બે કંપનીઓમાં સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.
તંત્રની ટીમે આ બંને કંપનીઓમાંથી આશરે દસ જેટલા ખાદ્યતેલના નમૂના લીધા હતા. ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાએ જણાવ્યું હતું કે, અમારી ટીમે ઓઇલ ટીનીંગ કરતી બે કંપનીઓ પર તપાસ કરી છે. ખાદ્ય તેલના દસેક જેટલા નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાવી દીધા છે. લેબોરેટરીના રિપોર્ટના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટમાં જો નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો સંબધિત કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.