ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તડબૂચની તપાસ કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
- કૂલ 350 વેપારીઓને ત્યાથી 400થી વધુ તડબૂચના નમૂના લેવાયા
- તડબૂચમાં કલર જેવા અખાદ્ય પદાર્થની હાજરી મળી નથી
- હવે સમયાંતરે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે
ગાંધીનગરઃ કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનારા ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. ઉનાળાની ઋતુ દરમિયાન જાહેર જનતા દ્વારા સ્વાસ્થ્યપ્રદ અને ઠંડક આપે તેવા ફળો જેવા કે દ્રાક્ષ, તડબૂચની માંગમાં સતત વધારો જોવા મળતો હોય છે. જેનો ફાયદો ઉઠાવા માટે લેભાગુ તત્વો દ્વારા તડબૂચ જેવા ફળમાં કૃત્રિમ રીતે ઈન્જેકશનથી કલર નાખી તેને આકર્ષક બનાવી લોકોને અને તેમના સ્વાસ્થ્યને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ક્યારેક આવા સમાચાર ફરતા જોવા મળે છે. આવા લેભાગુ તત્વોને ડામવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર અને તેની સાથે ફૂડ સેફટી ઓન વ્હીલ્સ સતત બજારમાં આવા ભેળસેળિયા ઈસમો પર બાજ નજર રાખી લોકોને સુખાકારી માટે ખડેપગે સતત કામગીરી કરવામાં આવતી હોય છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં તડબુચનો વેપાર કરતા વેપારીઓને ત્યાં કલરની હાજરી/ગેરહાજરી બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં કૂલ 350 જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી જ્યાં 400થી વધુ તડબુચના નમૂનાઓને આકસ્મિક સ્થળ પર તપાસવામાં આવ્યા હતા. આ તપાસવામાં આવેલ કોઈ પણ નમૂનામાં કૃત્રિમ કલરની હાજરી જોવા મળી ન હતી. આ ઉપરાંત કોઈ પણ પેઢીને ત્યાંથી કૃત્રિમ કલર, Artificial Sweetener, ઇંજેક્શન જેવા પદાર્થો તપાસમાં સ્થળ પર જોવા મળ્યા ન હતા.
વધુમાં આ તમામ ફળ વેચનાર વેપારીઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-2006 અને તે અન્વયે સમયાંતરે બહાર પાડવામાં આવતા આદેશો અને એડવાઇઝરીનું પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના આ પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા ઇસમોમાં ચેતી જવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે તેમ કમિશનર કોશિયા દ્વારા ઉમેર્યું હતું.