For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગરથી મુંબઈ અને પુનાની ફ્લાઈટ છેલ્લા 5 મહિનાથી બંધ, ચેમ્બરે કરી રજુઆત

05:23 PM Nov 04, 2025 IST | Vinayak Barot
ભાવનગરથી મુંબઈ અને પુનાની ફ્લાઈટ છેલ્લા 5 મહિનાથી બંધ  ચેમ્બરે કરી રજુઆત
Advertisement
  • કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ હવાઈ સેવા છીનવી લેવાઈ,
  • નેતાગીરીની નિષ્ક્રિયતાને લીધે ભવનગરને થતો અન્યાય,
  • અગાઉ પણ અનેક રજુઆતો કરી પણ કોઈ સાંભળતું નથી

ભાવનગરઃ શહેર અને જિલ્લાને કાયમ અન્યાય થતો આવ્યો છે. રાજ્યમાં અન્ય શહેરોની તુલનાએ ભાવનગર શહેર અને જિલ્લો વિકાસમાં પાછળ છે. ત્યારે વિમાની સેવામાં પણ ભાવનગરને અન્યાય થઈ રહ્યો છે. ભાવનગરથી મુંબઈ અને પુનાની ફ્લાઈટ છેલ્લા 5 મહિનાથી બંધ છે. ચેમ્બર ઓફ કોમર્સ અને ઉદ્યોગકારોની રજુઆત છતાંયે ફ્લાઈટ શરૂ કરવામાં આવતી નથી. આ મામલે ભાવનગરની નેતાગીરી પણ નિષ્ફળ રહી છે.

Advertisement

હવાઈ સેવાઓ માટે ભાવનગર સાથે સાવકા દિકરા જેવું હંમેશા વર્તન થઈ રહ્યું છે. ફરી એક વખત આવા અન્યાયનો ભોગ ભાવનગર બન્યું છે.  છેલ્લા પાંચ માસથી મુંબઈ, પુનેની ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી હોવા છતાં કેન્દ્રના મંત્રી મંડળમાં બેઠેલા નેતાઓનું પેટનું પાણી હલતું નથી.

એરપોર્ટના સત્તાધિશોએ કોઈપણ પ્રકારનું આગોતરું આયોજન કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ ગત 9મી જૂનથી ભાવનગરથી મુંબઈ અને પુણેની હવાઈ સેવાને અચાનક બંધ કરી દીધા બાદ પાંચ માસ જેવો સમય થવા આવ્યો છતાં આ હવાઈ સેવા શરૂ કરવામાં કોઈએ રસ લીધો નથી. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ છીનવાયેલી વીમાની સેવાને પુનઃ રનવે ઉપર લાવવા સમયાંતરે રજૂઆતો કરી છે. પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રી કે સ્થાનિક અધિકારી-પદાધિકારીઓએ માત્ર ઠાલા વચનો આપી હાથ ખંખેરી લીધા છે. ફ્લાઈટ બંધ કરવા પાછળ મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફ માટે સ્લોટ ઉપલબ્ધ ન હોવાનું કારણ આગળ ધરાયું છે. આ કારણથી ભાવનગરની હવાઈ સેવા છીનવાઈ હોય, રાજ્યના મુખ્યમંત્રીએ મધ્યસ્થતા કરી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુંબઈ એરપોર્ટના સત્તાધિશો સાથે સંવાદ કરી ભાવનગર-મુંબઈ ફ્લાઈટ માટે તાત્કાલિક સ્લોટ ફાળવવા સૌરાષ્ટ્ર ચેમ્બરે લાગણી વ્યક્ત કરી છે. ચેમ્બરના નેજા હેઠળ વિવિધ એસોસિયેશનો, વેપાર-ઉદ્યોગકારો, સાંસદ-ધારાસભ્યો, મંત્રીઓ, મેયર સાથે જોડાઈ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રિય મંત્રીને રજુઆત કરવામાં આવશે.

Advertisement

ભાવનગર જિલ્લો એશિયાનો સૌથી મોટી અલંગ જહાજવાડો, હીરા ઉદ્યોગ, પ્લાસ્ટિક, મરિન કેમિકલ્સ અને ફૂડ પ્રોસેસિંગ તેમજ વિશ્વ વિખ્યાત પાલિતાણા જૈનતીર્થ, બગદાણા, કોળિયાક, ગોપનાથ જેવા તીર્થ અને પ્રવાસન કેન્દ્રો ધરાવતો હોવાના કારણે ભાવનગરથી મુંબઈ વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા ઘણી એરલાઈન્સને રસ હોવાનું સર્વે અને ચર્ચામાં જણાયું છે. તેમ છતાં રાજકીય ઈચ્છાશક્તિના અભાવે ભાવનગરની સતત ઉપેક્ષા થઈ રહી હોવાનો નાગરિકોને અનુભવ થઈ રહ્યો છે. હવે લોકોની સહનશક્તિ પૂરી થવા આવી હોય, પ્રજાશક્તિનો પરચો દેખાડયા પહેલા વહેલી તકે હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Advertisement
Tags :
Advertisement