ઉત્તરપ્રદેશમાં ચોખાની મિલમાં ધુમાડાને પગલે શ્વાસ રૂંધાતા પાંચ શ્રમજીવીના મોત
બહરાઇચઃ ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના દરગાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ચોખાની મિલમાં ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી શુક્રવારે સવારે પાંચ કામદારોના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને લગઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
અધિક પોલીસ અધિક્ષક (શહેર) રામાનંદ પ્રસાદ કુશવાહાએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે રાજગઢિયા ચોખાની મિલના ડ્રાયરમાં ભેજને કારણે ધુમાડો નીકળવા લાગ્યો, ત્યારે કેટલાક કામદારો તેનું નિરીક્ષણ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા પરંતુ ધુમાડો એટલો ગાઢ હતો કે તેઓ ત્યાં જ બેભાન થઈને પડી ગયા. તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી અને કામદારોને બચાવ્યા હતા.
કુશવાહાએ જણાવ્યું હતું કે તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ પાંચ કામદારોને મૃત જાહેર કર્યા હતા જ્યારે ત્રણ અન્યની સારવાર ચાલી રહી છે. જિલ્લા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક (CMS) ડૉ. એમ.એમ. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પાંચ લોકોને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે ત્રણની સારવાર ચાલુ છે.
મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, "મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.