ઉત્તરી ગાઝા પટ્ટીમાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં પાંચ સૈનિક શહીદ
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝા પટ્ટીમાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ફોટને કારણે ઇમારત ધરાશાયી થઈ હતી, પરંતુ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સેનાએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
- યુદ્ધમાં માર્યા ગયેલા ઇઝરાયલી સૈનિકોની કુલ સંખ્યા 840 પર પહોંચી
એક નિવેદનમાં સેનાએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા બધા સૈનિકો નાહલ બ્રિગેડના રિકોનિસન્સ બટાલિયનના હતા. આમાં 23 વર્ષીય ટીમ કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. 8 ઘાયલ સૈનિકો પણ આ બટાલિયનના છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ, ઓક્ટોબર 2023 થી ચાલી રહેલા યુદ્ધમાં માર્યા ગયેલા ઇઝરાયલી સૈનિકોની કુલ સંખ્યા 840 પર પહોંચી ગઈ છે.
- 72 કલાકમાં ઉત્તરી ગાઝા પટ્ટીમાં 10 થી વધુ ઇઝરાયલી સૈનિકોને મારી નાખ્યા
આ ઘટના સમયે, 15 મહિનાથી વધુ સમયની લડાઈ પછી યુદ્ધવિરામ કરાર પર પહોંચવાના પ્રયાસમાં, કતારના દોહામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે પરોક્ષ વાટાઘાટો ચાલી રહી હતી. ગઈકાલે હમાસની સશસ્ત્ર પાંખ, અલ-કાસમ બ્રિગેડ્સે દાવો કર્યો હતો કે તેમણે છેલ્લા 72 કલાકમાં ઉત્તરી ગાઝા પટ્ટીમાં 10 થી વધુ ઇઝરાયલી સૈનિકોને મારી નાખ્યા છે.
- બંધકોને મુક્ત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે
ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિડીઓન સા'આરે જણાવ્યું હતું કે બંધકોને મુક્ત કરવા માટે કતારમાં વાટાઘાટ માટે ચર્ચા થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયલ બંધકોને મુક્ત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે.
(PHOTO-FILE)