નારોલમાં વીજ કરંટથી દંપતીના મોત મામલે AMCના બે ઈજનેર સહિત 5ની ધરપકડ
અમદાવાદ: શહેરમાં ચોમાસા દરમિયાન AMCની બેદરકારીના અનેક કિસ્સા સામે આવ્યા છે. નારોલ વિસ્તારમાં બે દિવસ પહેલા વરસાદી પાણીમાં કરંટ લાગવાથી દંપતીના મોતના મામલે હવે કાર્યવાહી હાથ ધરાઈ છે. નારોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસએ AMCના બે ઈજનેર સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે.
માહિતી મુજબ, નારોલની મટન ગલીમાં રાત્રિના સમયે દંપતી મોપેડ પર જઈ રહ્યું હતું. રસ્તા પર ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં વીજ કરંટ લાગતા બંનેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. નારોલ પોલીસની પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતા નિશાંત એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાકટર સૈયદ ઝહિર, કંપનીના બે એન્જિનિયર અજય પરમાર અને નયન કાપડિયા સાથે AMCના ઈજનેર જીગ્નેશ ગામીત અને પંકજ મચ્છારની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બનાવ સમયે સ્ટ્રીટ પોલ પડેલી હાલતમાં હતો અને વીજળીના વાયરો ખુલ્લા હતા. સ્ટ્રીટ પોલની મેન્ટેનન્સની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝને સોંપવામાં આવી હતી. જ્યારે કંપનીનું કાર્ય સુપરવાઇઝ કરવાનું કામ AMCના ઈજનેરોનું હતું. તમામે બેદરકારી દાખવી હોવાથી આ દુર્ઘટના બની હોવાનો પ્રાથમિક તારણ પોલીસ સમક્ષ આવ્યો છે.
હાલમાં તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ તજવીજ કરી રહી છે. શહેરમાં આવી અનેક જગ્યાએ મનપાની બેદરકારી છતી થઈ રહી છે, ત્યારે આવા કેસોમાં યોગ્ય પગલાં લેવાય તો નિર્દોષોના જીવ બચાવી શકાય એવી માગણી પણ ઉઠી રહી છે.