ઉત્તર પ્રદેશના લખનૌમાં બસ પલટી જતાં પાંચના મોત અને 10થી વધારે લોકો ઘાયલ
લખનૌઃ ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના કાકોરી વિસ્તારમાં બસ પલટી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે મોડી સાંજે હરદોઈ જિલ્લાથી આવી રહેલી બસે કાબુ ગુમાવ્યો હતો અને પાણીના ટેન્કર સાથે અથડાઈને 20 ફૂટ ઊંડી ખાડામાં ખાબકી હતી. આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર સ્થળ પર દોડી ગયું હતું. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. તેમજ દૂર્ઘટના કેવી રીતે સર્જાઈ તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે સ્થળ પર રસ્તાનું બાંધકામ ચાલી રહ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવા જણાવ્યું છે.