માધવપુર ઘેડ ખાતે આજથી પાંચ દિવસીય મેળાનો શુભારંભ,
- 8મી એપ્રિલે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના લગ્ન યોજાશે
- 5 દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
- ગામ-પરાગામથી અનેક લોકો મેળાને મહાલવા ઉમટી પડ્યા
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પોરબંદર નજીક ગરિયા કાંઠે આવેલા માધુપુર ઘેડમાં આજથી પાંચ દિવસીય લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. 5 દિવસના આ લોક મેળા દરમિયાન સરકાર દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક મેળાને મહાલવા માટે ગામ-પરગામથી અનેક લોકો આવી પહોંચ્યા છે. લોકમેળામાં લોકો ભાગ લઈ શકે તે માટે રાજકોટથી એસટીની 30 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે. આજે લોકમેળાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો હતો.
ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો દર વર્ષે યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજથી ઘેડના મેળાની ભવ્ય `પ્રારંભ થયો છે. આ મેળો આગામી 10 એપ્રિલ સુધી ચાલશે. જેમાં 8 એપ્રિલના રોજ શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના લગ્ન યોજાશે. લોકમેળાને મહાલવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં યોજાવનારા માધવપુર મેળામાં ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીની લગ્નકથા, ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીનો પ્રેમ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા મળશે. આ સાથે મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના હસ્તકલાના કારીગરોને સ્ટોલ આપીને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
પોરબંદરથી 46 કિલોમીટર દૂર પૌરાણિક ઐતિહાસિક અને વિરાસત ધરાવતું માધવપુર ગામ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહનું સાક્ષી હોવાનું માનવામાં આવે છે. માધવપુર ઘેડ મેળામાં ચાર દિવસ બાદ પાંચમા દિવસે દ્વારકામાં માતા રુક્ષ્મણીનો સત્કાર સમારંભ ભવ્ય રીતે ઉજવાય છે.