પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિને લીધે કચ્છમાં દરિયામાં માછીમારી પ્રવૃતિ પર પ્રતિબંધ
- નારણસરોવર,, જખૌ, અને લખપત દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધ મુકાયો
- બીજી સુચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ
- લક્કી સમુદ્રી સીમા દર્શન અને કોટેશ્વર મંદિર બંધ કરાયું
ભૂજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી જિલ્લા કચ્છમાં વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ મોડમાં છે. દરમિયાન કચ્છના દરિયામાં માછીમારી પ્રવૃતિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લાના નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આગામી આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન નેવી અને મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે.
કચ્છથી પાકિસ્તાન બોર્ડર નજીક હોવાથી હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. દરિયામાં માછીમારી પ્રવૃતિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લાના નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જો કોઈ પણ વ્યક્તિ આ વિસ્તારમાં માછીમારી કરતાં પકડાશે તો જાહેરનામા ભંગની કડક કાર્યવાહી કરવામાં આવશે.આ માટે મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામક દ્વારા હુકમ કરી તમામ મંડળીઓ અને માછીમારોને જાણ કરી દેવામાં આવી છે. અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ પ્રકારની માછીમારી બોટને કિનારા પર લાંગરી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.
આ ઉપરાંત ભારત પાકિસ્તાનની સરહદે દરિયા કિનારા પર આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ મંદિરને તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવ્યું છે અહીંથી ધંધાર્થીઓને પણ ખસેડી લેવામાં આવ્યા છે મંદિરની આસપાસ પોલીસ સહિત વિવિધ એજન્સીઓનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. ઉપરાંત લક્કીનાળા પાસે સમુદ્ર સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત બોટ સેવા ચાલુ કરવામાં આવી હતી.જે બે દિવસથી બંધ કરી દેવામાં આવી છે અને આગામી સુચના ન મળે ત્યાં સુધી આ બોટ સેવા બંધ રહેશે.નારાયણ સરોવર અને કોટેશ્વરના દરિયાઇ વિસ્તારમાં માછીમારી માટે ગયેલી 32 જેટલી બોટને કોટેશ્વરની જેટી પર લાંગરી દેવામાં આવી છે. જ્યારે જખૌમાં ગીર સોમનાથ અને વેરાવળની 100 થી 150 જેટલી મોટી બોટો આઠ દિવસ પહેલાથી જ સુરક્ષિત જગ્યાએ લાંગરી દેવામાં આવી છે અને દરિયામાં ગયેલી તમામ માછીમારી બોટોને તાત્કાલિક ધોરણે બોલાવી લેવાઈ છે.
કચ્છના લખપત, નારાયણ સરોવર, જખૌ, નાના લાયજા, મોટા લાયજા, મોઢવા, ત્રગડી, કુતળીનાળ, નવીનાળ, ઝરપરા, મુન્દ્રા, લુણી ભદ્રેશ્વર, કુકડસર વિસ્તારમાં માછીમારી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ કે જેમાં બોટ માલિક, પગડિયા માછીમારો, મત્સ્ય વેચાણ કરતા માછીમારો, ખલાસી સહિતના આગેવાનોને માછીમારી બોટની સલામતી કઈ રીતે રાખવી, અજાણી બોટ કે અજાણ્યા ફોન કોલનો જવાબ કેવી રીતે આપવો સહિતની બાબતો અંગે માહિતી આપવામાં આવશે. મુન્દ્રા તાલુકાના લુણીના દરિયાઇ વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ થાય છે. જેથી દરિયાકિનારે માછીમારો રહેતા હોય છે હાલ તકેદારીના ભાગરૂપે દરિયા કિનારાની તમામ વસાહત ખાલી કરાવી દેવામાં આવી છે અને માછીમારોને ગામમાં રહેણાકની વ્યવસ્થા કરવામાં આવી છે.