ટેરિફ ઘટાડવા ભારત-અમેરિકા વચ્ચે પ્રથમ તબક્કાની વાટાઘાટો શરૂ થશે
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા 2025ના આાગામી દિવસોમાં ટેરિફ ઘટાડવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરવા માટે કામ કરી રહ્યા છે. કારણ કે કરારની સંદર્ભ શરતો પહેલાથી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવી છે. વાણિજ્ય વિભાગના અધિક સચિવ રાજેશ અગ્રવાલે આજે મંગળવારે (15 એપ્રિલ, 2025) જણાવ્યું હતું કે, 'અમેરિકન ટીમ અહીં આવી ત્યારે ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર BTA સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ અઠવાડિયાની અંદર વિવિધ પ્રકરણો પર પ્રથમ તબક્કાની વાટાઘાટો વર્ચ્યુઅલી શરૂ થશે અને ભૌતિક રીતે વાટાઘાટો મહિનાના અંતમાં શરૂ થઈ શકે છે.'
વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે, 'ભારતે અમેરિકા સાથે વેપાર ઉદારીકરણનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે. જો 2025માં પાનખર ઋતુ પહેલા વેપાર કરાર પૂર્ણ થાય તો ભારત અને અમેરિકા બંનેને ફાયદો થશે.' જો બંને દેશો ટેરિફ ઘટાડવા અંગે સંમત થશે તો તેનાથી અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વધશે. 90 દિવસનો વિરામ કોઈ ચોક્કસ દેશ માટે નથી, તે દરેક માટે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 9 એપ્રિલના રોજ ભારત સહિત અનેક દેશો માટે વધુ ભારે ડ્યુટીના અમલીકરણને સ્થગિત કર્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, 'અમેરિકા સાથે ખૂબ સારી વાટાઘાટો ચાલી રહી છે.
તેમણે કહ્યું હતું કે, 'વૃદ્ધિ અને વસ્તી વિષયક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ભારત દ્વિપક્ષીય વેપાર કરાર માટે યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ એક આકર્ષક કેસ રજૂ કરે છે. વૃદ્ધિને જોતાં ભારત આગામી 25-30 વર્ષોમાં મોટી અને મહત્વાકાંક્ષી યુવા વસ્તી દ્વારા માલ અને સેવાઓની માંગમાં વધારો થશે. અમારું માનવું છે કે, ભારત યુએસ સાથે સારા કરાર કરવા માટે એક આકર્ષક કેસ બનશે. નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક સંયુક્ત નિવેદનમાં 2030 સુધીમાં 500 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું હતું.