બીલીમારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને બિશ્નોઈ ગેન્ગ વચ્ચે ફાયરિંગ, ચારને દબોચી લેવાયા
- હોટલમાં રેડ દરમિયાન SMC અને બિશ્નોઈ ગેન્ગ વચ્ચે થયુ ઘર્ષણ,
- પોલીસે સ્વબચાવમાં એક આરોપીને પગમાં ગોળી મારી,
- આરોપીઓએ સામે ફાયરિંગ કર્યું
નવસારીઃ જિલ્લાના બીલીમોરાની એક હોટલમાં હથિયારોની આપ-લે કરવા માટે બિશ્નોઈ ગેન્ગના સાગરિતો રોકાયા હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ને બાતમી મળતા SMCની ટીમ હોટલ પર પહોંચી હતી. જ્યાં હોટલમાં રોકાયેલા બે આરોપીઓને ઝડપીને પુછપરછ કરતા અન્ય બે આરોપીઓએ મીની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળતાં SMCની ટીમ મંદિરે પહોંચી હતી. જ્યાં હાજર આરોપીઓએ ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી હતી, પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.
આ બનાવની વિગત એવી છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ને બાતમી મળી હતી કે, મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના બીલીમોરામાં રહેતા બિશ્નોઇ ગેંગના બે શખ્સોને એક હરિયાણા અને એક મધ્યપ્રદેશનો શખ્સ હથિયાર આપવા આવ્યા છે અને એ એક હોટેલમાં રોકાયા છે. જેથી બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. જોકે, ત્યાં રાજસ્થાનના બે આરોપીઓ જ મળ્યા હતા. જેમને ઝડપીને પોલીસે પુછપરછ કરતાં અન્ય બે આરોપીઓ નજીકમાં આવેલા મીની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું હતું.
હરિયાણા અને મધ્યપ્રદેશથી આવેલા બે આરોપીઓ મંદિરે હોવાથી SMC ટીમ મંદિરે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે એક આરોપીએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો, જેથી સ્વ બચાવમાં પોલીસે પણ સામે ગોળીબાર કર્યો હતો. પોલીસ અને ગેંગ વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ થતાં એક આરોપીને પગમાં ગોળી વાગતા તે જમીન પર પટકાયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે ખસેડ્યો છે. બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમના કબજામાંથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ પકડાયેલા આરોપીઓમાં યશસિંગ સુંદરસિંગ, હરિયાણા (ઈજાગ્રસ્ત આરોપી), રિષભ અશોક શર્મા, મધ્યપ્રદેશ, મનીષ કાલુરામ કુમાવત, રાજસ્થાન, અને મદન ગોપીરામ કુમાવત, રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ બનાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લા પોલીસની LCB, SOG સહિતની ટીમો સાથે ચીખલી ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.