સુરતમાં અન્ડર ગ્રાઉન્ડ ગેસની લાઈન તૂટતાં લાગી આગ, 4 લોકો દાઝ્યા, 5 દુકાનો બળીને ખાક
- સુરતના ગોડાદરા વિસ્તારમાં બન્યો બનાવ,
- અન્ડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી વખતે ગેસની લાઈન તૂટી,
- દુકાનોમાં માલ-સામન સળગી જતાં લાખોનું નુકશાન
સુરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગેસની ભૂગર્ભ લાઈન તૂટી જતા ગેસ લિકેજ થયો હતો, અને જોતજોતામાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકો આગની ઝપેટમાં આવી જતા દાઝ્યા હતા. એકાએક આગ ફાટી નિકળતા લોકો પોતાનો જીવ બચાવી ભાગ્યા હતાં. આગે વિકરાળરૂપ ધારણ કરીને આજુબાજુની 5 દુકાનોને પણ લપેટમાં લીધી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ વિકરાણ આગમાં પાંચ જેટલી દુકાનમાં બળીને ખાક થઈ ગઈ હતી.
આ બનાવની વિગતો એવી જણાવા મળી છે કે, શહેરના ગોડાદરા સિનેમા રોડ પર કેબલ લાઈન માટે ખોદકામ દરમિયાન ગેસની લાઈન તૂટતા ગેસ લીકેજ થતા જબરજસ્ત ફ્લેશ ફાયર જોવા મળ્યું હતું. ધીરેધીરે આગે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુકાનની નજીક જ ફ્લેશ ફાયર વધુ હોવાથી ચારથી પાંચ જેટલી દુકાનોને લપેટમાં લઈ લીધી હતી. જેમાં બે મોબાઇલની દુકાન સહિત અન્ય દુકાનોમાં આગ લાગી હતી. ગેસલાઇનના લીકેજ બાદ દુકાનમાં આગ લાગતા ઉપર રહેતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. રહીશો તાત્કાલિક ઘરની બહાર જીવ બચાવીને ભાગ્યા હતા, જેમાં 4 લોકોને ઈજા થઈ હતી
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતુ કે, આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ઘટનાસ્થળ ઉપર ફાયર જવાનો પહોંચ્યા હતા. ગેસલાઇનમાં લિકેજ થવાથી દુકાનમાં તો આગ લાગી હતી, પરંતુ ઉપર રહેતા રહીશો પણ નીચે ભાગતા એક જ પરિવારના ચાર લોકોને દાઝી ગયા હતા. જેમાં એક નાનું બાળક, એક બાળકી અને માતા-પિતાને સમાવેશ છે. માતા-પિતાને સામાન્ય ઈજા હતી, પરંતુ બાળકોને થોડે અંશે આગની જ્વાળાઓથી વધુ ઈજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક વિસ્તારના રહિશોના કહેવા મુજબ આગ લાગવાની આ ઘટનામાં કોસ્મેટિક અને મોબાઈલના દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મોબાઈલ સહિત કોસ્મેટિકનો તમામ સામાન મળીને ખાક થતા દુકાનદારોમાં રોષ ભભૂક્યો હતો. દુકાનદારો અને સ્થાનિક લોકો એકત્રિત થઈને સમગ્ર ઘટના માટે જે જવાબદાર છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે રસ્તા પર ઉતર્યા હતાં. સાથેસાથે દુકાનમાં જે આર્થિક નુકસાન થયું છે, તેમને તાત્કાલિક અસરથી વળતર ચૂકવવાની માગ સાથે રસ્તા ઉપર આડાશ મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.