સુરતના મહિધરપુરામાં મકાનના ચોથા માળે સિલિન્ડર લિકેજ બાદ લાગી આગ
- સિલિન્ડર લિકેજ બાદ આગ લાગી અને ફ્રિઝના ક્રમ્પ્રેસર સુધી પહોંચતા બ્લાસ્ટ થયો,
- પ્રચંડ ધડાકાના અવાજથી આજુબાજુના લોકો દોડી આવ્યા,
- એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
સુરતઃ શહેરના મહીધરપુરા વિસ્તારમાં આવેલા રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસેના ચાર માળના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનના ચોથા માળે જ્વેલરી પોલિસિંગના રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ગઈ હતી. અને આગ ફ્રીઝના કમ્પ્રેસર સુધી પહોંચી જતા બ્લાસ્ટ થયો હતો. જેના પગલે બિલ્ડીંગમાં રહેતા લોકો અને આસપાસના લોકો દોડીને બહાર નીકળી ગયા હતાં. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના જવાનોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ રૂમમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડર સુધી આગને પ્રસરતા અટકાવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, સુરત શહેરના રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું એક મકાન આવેલું છે. જેમાં ચોથા માળે જ્વેલરી પોલિસીંગ કરવામાં આવે છે અને આ સાથે જ ત્યાં કારીગરો પણ રહે છે. બપોર બાદ કારીગરો દ્વારા રસોઈ બનાવવામાં આવી રહી હતી ત્યારે ગેસ સીલીન્ડર લીકેજ થયો હતો અને આસપાસમાં રહેલા ગાદલાઓ સહિતના સામાનમાં આગ લાગી ગઈ હતી. ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી કે હાજર ત્રણ જેટલા શખસો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. દરમિયાન ગાદલાઓ સહિતના સામાનમાં લાગેલી આગ ગણતરીની મિનિટમાં જ ફ્રીઝ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્રિઝના કમ્પ્રેસરમાં ધડાકો થયો હતો. ધડાકો થતાની સાથે જ બિલ્ડીંગમાં રહેલા તમામ લોકો બિલ્ડીંગમાંથી નીચે ઉતરી ગયા હતા અને આસપાસથી લોકો દોડી પણ આવ્યા હતા. બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોમાં અફરાતફરી ગઈ હતી. ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ આગનો કોલ મળતાની સાથે જ ઘાંચી શેરી, મોગલીસરા અને કતારગામ ફાયર સ્ટેશનની છથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ચાર માળના મકાનમાં ચોથા માળે આગ લાગી હોવાથી કતારગામ ખાતેનું ટર્ન ટેબલ લેડર પણ રવાના કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવવામાં આવી હતી. જ્વેલરી પોલિસીંગ કરવામાં આવતું હોવાથી ત્યાં બેથી વધુ ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા. આગે સિલિન્ડર સુધી આગ ન પહોંચવા દઈને ફાયર વિભાગ દ્વારા એક મોટી દુર્ઘટનાને અટકાવી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.