અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પાસે ફ્લેટ્સના 5માં માળે લાગી આગ, 5 લોકોએ લગાવી છલાંગ
- મંગળવારે રાતના સમયે આત્રેય ઓર્ચિડ ફ્લેટ્સમાં બન્યો આગનો બનાવ
- એક ફ્લેટના એસીમાં બ્લાસ્ટ થયા બાદ લાગી આગ,
- ફાયર વિભાગે 27 લોકોનું રેસ્ક્યુ કર્યું
અમદાવાદઃ શહેરના ઈન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ ફ્લેટ્સના ડી વીંગના 5માં માળના એક ફ્લેટમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. 5માં માળે આવેલા એક ફલેટમાં એસીમાં આગ લાગ્યા બાદ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના અન્ય ફ્લેટ સુધી પ્રસરી હતી. આગના પગલે પાંચ લોકોએ પાંચમાં માળથી છલાંગ લગાવી હતી. જોકે, સ્થાનિક રહીશો દ્વારા નીચે ગાદલા મુકીને તેમને બચાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા તમામ ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. જ્યારે 5 લોકોને ઇજા થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના ઈન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ ફ્લેટ્સના ડી વીંગના 5માં માળના એક ફ્લેટમાં આગ લાગી હતી. એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. અને જીવ બચાવવા માટે લોકો બુમાબુમ કરી રહ્યા હતા.આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાંચમા માળે જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી રહ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા તેઓને સીડી વડે નીચે ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો, ત્યારે તાત્કાલિક ધોરણે તેઓ જીવ બચાવવા માટે ત્રીજા માળે પહોંચ્યા હતા ત્યાં જોયું તો નાનું બાળક અને મહિલાઓ ફસાયેલી હતી તેઓના જીવ બચાવવા માટે ફાયર જવાનો મદદમાં પહોંચ્યા અને ગેલેરી ઉપર ગયા હતા. ત્યાંથી તેઓએ દોરડા અને સીડી વડે ફાયર બ્રિગેડની સાથે મળીને બાળકો અને મહિલાઓનો જીવ બચાવ્યો હતો. આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ધારાસભ્ય પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે, પાંચ લોકો પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી નીચે કૂદ્યા હતા. જેના કારણે તેઓને સામાન્ય નાની મોટી ઇજા થઈ છે. સ્થાનિક ફ્લેટના રહીશો દ્વારા જે લોકો ઉપરથી નીચે પડતા હતા તેમના જીવ બચાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગાદલા મુક્યા હતા અને તેની ઉપર લોકો કૂદ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.