ભૂજમાં જુની જેલના કેમ્પમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં લાગી આગ
- વાહનોમાં આગ લાગતા ધડાકા-ભડાકા સંભળાયા
- 7 કિમી સુધી આગના ધૂંમાડા દેખાયા
- ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી
ભુજઃ શહેરના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા ડિટેઈન કરેલા વાહનોમાં એકાએક આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. અને કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા, દરમિયાન આગને કારણે ધડાકા અને બ્લાસ્ટના અવાજો સંભાળાતા હતા. જ્યારે આગના કારણે ધૂંમાડા સાત કિલોમીટર દૂરથી પણ જોવા મળ્યા હતા. પાર્ક કરેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ અને ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના કારણે વિસ્ફોટ થયા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
ભૂજના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા ડિટેઈન કરેલા વાહનોમાં આગ ફાટી નિકળી હતી. આગની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. બંધ જેલમાં વર્ષોથી પડતર રહેલા ટુ-વ્હીલર વાહનોમાં આગ લાગી હતી. અને ધડાકા અને વિસ્ફોટ થયા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં જપ્ત કરાયેલા વાહનોની ટાંકીમાં રહેલા પેટ્રોલ-ડીઝલને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. વિવિધ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ આગની ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જી દીધો હતો..