સુરતમાં અમરોલી વિસ્તારમાં નેઈલ પોલીશના કારખાનામાં આગ, વોચમેનનું મોત
- આગ લાગ્યાની જાણ થતાંજ ફાયરનો કાફલો દોડી ગયો,
- ફાયર વિભાગે 6 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી,
- નેઇલ પોલીશના કારણે જોતજોતામાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ,
સુરતઃ શહેરના છેવાડે આવેલા અમરોલી વિસ્તારમાં ન્યૂ કોસાડ રોડ પર બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા નેઇલ પોલીશના કારખાનામાં ગત મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. ફાયરના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને 6 કલાકે આગ પર કાબુ મેળવ્યા હતા. દરમિયાન આગ થોડી કાબુમાં આવ્યા બાદ ચોથા માળે ગેલેરીના ભાગમાં વોચમેન બેભાન હાલતમાં મળ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હતો.
આ બનાવની વિગતો એવી છે કે, સુરત શહેરના છેવાડે આવેલા અમરોલી વિસ્તારના ન્યુ કોસાડ રોડ પર પ્રગતિ ઈકો પાર્કમાં આવેલા એક બિલ્ડિંગમાં ત્રીજા માળે અને ચોથા માળે એમ બે માળમાં નેઇલ પોલીશ બનાવવાનું કારખાનું આવેલું છે. જે જેમીશ વિરડીયા નામના યુવક દ્વારા આ કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે. આ કારખાનામાં નાની કાચની બોટલમાં નેઇલ પોલીશ ભરવામાં આવે છે. રાત્રિના સમયે કામ ચાલી રહ્યું હતું દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલ વાળા નેઇલ પોલીશના કારણે જોતજોતામાં જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ.
આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વરિયાવ કતારગામ, મોટા વરાછા, મોરા ભાગળ, સરથાણા અને ડભોલી ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કેમિકલ હોવાના કારણે પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી રહી ન હતી. આ સાથે જ આ બિલ્ડિંગમાં રહેલો એક વોચમેન પણ મળી રહ્યો ન હતો. દરમિયાન બીજા કે ત્રીજા માળે રહેલા વોચમેનની શોધખોળ કરવામાં આવતા ચોથા માળે ગેલેરીમાંથી વોચમેન બેભાનાવસ્થામાં મળી આવ્યો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ફરજ પરના તબિયત દ્વારા અમૃત જાહેર કરાયો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબુ મેળવવામાં સફળતા ન મળતા ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ છ કલાકે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આજે સવારે 9:00 વાગ્યા સુધી કુલિંગની કામગીરી ચાલી હતી. આગના પગલે કારખાનાના માલિકના જણાવ્યા અનુસાર તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે.