ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર સંકુલમાં આગ લાગી, ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ
ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરનું વિશ્વ પ્રખ્યાત મંદિર પરિસરમાં ભીષણ આગ લાગી હતી. આગ પરિસરમાં સ્થિત કંટ્રોલ રૂમની છત પર લાગી હતી. આ અકસ્માતમાં, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એર ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમની બેટરીઓ બળી ગઈ હતી. આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂરથી દેખાતી હતી. માહિતી મળતા જ ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને કાબુમાં લીધી હતી. હાલમાં આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ પ્રસંગે મહાકાલ મંદિર સમિતિના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આગ લાગ્યા બાદ મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરવો પડ્યો હતો. આ ઘટના મંદિરના અવંતિકા ગેટના કંટ્રોલ રૂમની છત પર બની હતી. હાલમાં બેટરીમાં આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી. એક અધિકારીના જણાવ્યા મુજબ, તપાસ બાદ જ ખબર પડશે. આગ કાબુમાં આવ્યા બાદ, મંદિરનો દરવાજો ફરીથી ખોલવામાં આવ્યો છે.
મહાકાલ મંદિરના પ્રશાસક પ્રથમ કૌશિકે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમની છત પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એર ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમની બેટરીમાં આગ લાગી હતી, જેને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફક્ત બેટરીઓને જ નુકસાન થયું છે. આગની માહિતી મળતા જ કલેક્ટર રોશન સિંહ, મહાકાલ મંદિરના પ્રશાસક પ્રથમ કૌશિક, ઉજ્જૈન એસપી પ્રદીપ શર્મા, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર આશિષ પાઠક અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.