પાટડીમાં મધરાતે હાર્ડવેરની દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં પ્રસરી
- ધ્રાંગધ્રા અને વિરમગામથી ફાયર ફાયટરો દોડી ગયા
- ચાર કલાકની મહેમત બાદ આગ કાબુમાં આવી
- જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ પણ ભરઊંઘમાંથી ઊઠીને દોડી ગયા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આગના આકસ્મિક બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક આગનો બનાવ પાટડીમાં બન્યો હતો. પાટડીમાં મોડી રાત્રે બે વાગ્યે જૂના બસ સ્ટેન્ડમાં ઉમિયા કોમ્પલેક્ષમાં આવેલી ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે દુકાનમાં વિકરાળ આગ લાગતા અફતાતફડી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા પાટડી ફાયર બ્રિગેડની ટીમ, ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ અને વિરમગામ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
આ બનાવની વિગતો એવી છે કે, પાટડીમાં મોડી રાત્રે બે વાગ્યે જૂના બસ સ્ટેન્ડમાં ઉમિયા કોમ્પલેક્ષમાં આવેલી ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે દુકાનમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં પાટડીના ફાયટરો દોડી ગયા હતા. પણ આગે વિકરાળરૂપ ધારણ કરતા ધ્રાંગધ્રા અને વિરમગામ ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી. અને ત્રણ-છાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો,
ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી જૂના બસસ્ટેન્ડમાં ઉમિયા કોમ્પ્લેક્સમાં ચંદ્રસિંહ ધીરુભા ઝાલાની ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે દુકાનોમાં મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ આગને કારણે દુકાનોમાં પડેલો માલ બળીને ખાક થઇ જતા મોટુ નુકશાન થયું હતું. જેમાં લાખો રૂપિયાના નુકશાન થયાની શકયતા સેવાઈ રહી છે. જયારે આ વિકરાળ આગને કારણે સદભાગ્યે કોઈ જાનહાની થઇ નહોતી. ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ તમામ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. પાટડીમાં મોડી રાત્રે લાગેલી આગ આજુબાજુની દુકાનોમાં ના ફેલાય એ માટે આજુબાજુના દુકાનદારો પણ ઉંઘમાંથી સફાળા જાગી તાકીદે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરકારી ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી ભયાવહ આગમાં મોટા પાયે નુકશાન પહોંચ્યું હતું. એ પછી ધ્રાંગધ્રાના વિઠ્ઠલગઢમાં આવેલી પેપર મિલમાં લાગેલી વિકરાળ આગ તો છેક 30 કલાકે કાબુમાં આવી હતી. જેમાં અંદાજે એક કરોડથી પણ વધારેનું નુકશાન આવ્યું હતું. તેમજ ગઈકાલે લીંબડી પાંજરાપોળમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં પાટડીમાં મોડી રાત્રે બે વાગ્યે જૂના બસ સ્ટેન્ડમાં ઉમિયા કોમ્પલેક્ષમાં આવેલી ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે દુકાનમાં આગ લાગવાની ગોઝારી ઘટના બની હતી.