વાગરા નજીક સાયખા GIDCમાં બાઈલર ફાટતા લાગી આગ, ત્રણના મોત
- GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બન્યો બનાવ,
- બોઈલર બ્લાસ્ટ થતા 24 જેટલા કર્મચારીઓને ઈજા,
- બોઈલર વ્લાસ્ટથી આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો
ભરૂચઃ જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલી સાયખા GIDCમાં ગત મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નિકળતા અફડા-તફડી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. આ બનાવમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, વાગરા તાલુકાના સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ધડાકા સાથે ફાટતાં અફડાતફડી મચી ગઈ હતી. બોઈલર ફાટ્યા બાદ આગ ફાટી નિકળી હતી. ફાયર બ્રિગંડના જવાનોએ બચાલ કામગીરી હાથ ધરી હતી. ત્રણ કામદારોના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત, 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે, આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. અને આસપાસની 4થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે.
આ ઘટનાની જાણ થતાં જ ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે વહીવટી તંત્ર અને GPCB પર ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચે જણાવ્યું હતું કે, આ જોખમી કંપની કોઈ પણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી, તેમ છતાં GPCB કે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી.