અરવલ્લીનાં મોડાસામાં એમ્બ્યુલન્સમાં લાગી આગ, બાળક સહિત 4નાં મોત
ગાંધીનગરઃ અરવલ્લી જિલ્લાના મોડાસાના રાણા સૈયદ નજીક એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી. આ એમ્બ્યુલન્સ અમદાવાદ જઈ રહી હતી. આગ લાગ્યાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમને થતા તે ઘટના સ્થળે પહોંચી હતી.
મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો જો કે ઘટનામાં 4 ના મોત નિપજયા છે, જ્યારે 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે.. દાઝી ગયેસા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશભાઈ તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જતા તે સમયે એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા. આ દૂર્ઘટનામાં જીગ્નેશ મોચી: (ઉં.વ. 38) , જીગ્નેશભાઈનું તાજું જન્મેલું બાળક, ડોકટર રાજકરણ રેટીયા: (ઉં.વ. 30), અને નર્સ ભુરીબેન મનાત (ઉં.વ. 23)નું મોત થયું હતું.
રાતના 1.40 કલાકે 101 નંબર પર કોલ આવ્યો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણાસૈયદ પાસે, મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમાં 3 લોકોના ડેથ થયેલા માલૂમ પડ્યા, એક ભાઈ, એક બહેન અને એક બાળક હતું. એમ્બ્યુલન્સ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદની હોવાનું માલૂમ પડ્યું છે. જોકે, ગણતરીના કલાકો બાદ મૃતક નવજાત બાળકનો પિતાનું પણ મોત થયાનું સામે આવ્યું હતું.
મોડાસા ટાઉન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-194 મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે.