મુંબઈના કફ પરેડ વિસ્તારની ચાલીમાં લાગી આગ, એકના મોત
મુંબઈઃ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આવેલી એક વન પ્લસ વન ચોલની પ્રથમ માળે સોમવારની વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કૅપ્ટન પ્રકાશ પેઠે માર્ગ પર આવેલી આ ચૉલમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, આગ લાગતાની સાથે જ BMCના અગ્નિશામક વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લગભગ સવારે 4:35 વાગ્યા સુધી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. અગ્નિશામક વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આગે ચૉલના મોટા હિસ્સાને ઘેરી લીધો હતો. આગનું કારણ હજી સ્પષ્ટ નથી, પરંતુ પ્રારંભિક તપાસમાં વીજળીના તારામાં શૉર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિના દુર્ભાગ્યપૂર્ણ મોત થયા છે જ્યારે ત્રણ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા ઘટનાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.