કોલકાતાની ઋતુરાજ હોટેલમાં લાગી આગ, 14 લોકોના મોત
કોલકાતાઃ કોલકાતાના બડા બજારમાં ઋતુરાજ નામાની હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે અને કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. આ આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં તેણે આખી હોટેલને પોતાની ઝપેટમાં લઈ લીધી.
ધુમાડાના કારણે કેટલાક લોકો હોટલની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી લોકોને બચાવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને હોટલમાં પ્રવેશવા માટે દિવાલ તોડવી પડી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યું નથી.
પશ્ચિમ બંગાળના ભાજપના નેતા દિલીપ ઘોષે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. મીડિયા સાથે વાત કરતા કહ્યું, કોઈ પણ સલામતીના નિયમોનું પાલન કરાતું નથી. ગેરકાયદેસર બાંધકામો થાય છે પરિણામે, આવી ઘટનાઓ બને છે, 14 લોકોના મોત એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકારે આ બાબતને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે.