અમદાવાદના શાહીબાગમાં કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાયા બાદ આગ લાગી
- અકસ્માત બાદ કારમાં આગ લાગતા બળીને ખાક
- કારમાં બેઠેલા ત્રણ જણા અને રિક્ષામાં પ્રવાસ કરતા બેને ઈજા
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાતના સમયે શાહીબાગ ડફનાળા પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રિક્ષા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ હતી. આ બનાવમાં રિક્ષામાં બેઠેલા બે જણા તેમજ કારમાં બેઠેલા ત્રણ જણા સહિત 5ને ઈજાઓ થઈ હતી.
શહેરના શાહીબાગમાં ડફનાળા પાસે ગત મોડી રાતે કારનો અકસ્માત સર્જાયો હતો. કાર પૂરપાટ ઝડપે ડિવાઈડર કૂદીને સામેના રોડ પર પહોંચી જતાં એક રિક્ષા અને અન્ય કાર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ થોડીક જ વારમાં કાર બળીને ખાક થઈ ગઇ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા બે લોકોને સામાન્ય ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ અંગે પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારે 3 વાગ્યે વોક્સવેગન પોલોનો કારચાલક એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફ આવતો હતો. ત્યારે એસીબી ઓફિસની સામે વળાંકમાં ભાગે બ્રેક મારતા પોલો ગાડી ડિવાઇડર કૂદી સામેના ભાગે આવી ગઈ હતી. જે એક રિક્ષા તથા અન્ય કાર સાથે ટકરાઈ હતી. કાર ટકરાયા બાદ પોલો કારમાં બેઠલા લોકો નીચે ઉતર્યા ત્યારબાદ ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. જેના કારણે કાર બળીને ખાક થઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક કાર બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે રિક્ષા અને અન્ય કારને પણ સામાન્ય નુકસાન થયું હતું. અકસ્માતમાં પોલો કારમાં બેઠેલા 3 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી જેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે રિક્ષામાં બેઠેલા બે લોકોને સામાન્ય ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.