ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને માળખાકિય સુવિધા માટે આર્થિક સહાય અપાશે
- આર્થિક સહાય માટે ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી,
- ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરાયો છે કે નહી તેની પણ તપાસ કરાશે,
- સ્કુલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ગ્રાન્ટેડ શાળાઓમાં માળખાકિય સુવિધા ઊભી કરાશે
ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સ્કુલ ફોર એક્સલન્સ અંતર્ગત શાળાઓમાં માળખાકિય સુવિધાઓ માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. જેના માટે ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી સહાય માટેની અરજીઓ મંગાવવાનો આવતી કાલે 30મી સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે. સરકારના આ નિર્ણયથી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માળખાકીય સુવિધામાં વધારો કરી શકશે.
રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને નવી શિક્ષણ નીતિ અંતર્ગત માળખાકીય સુવિધા માટે સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જે શાળાઓ સહાય માટે દરખાસ્ત કરશે તેવી શાળાઓને સહાય આપવામાં આવશે. ગ્રાન્ટેડ શાળાઓ માટે આર્થિક સહાય આપવાની સાથે સાથે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરાયો છે કે નહી તેની પણ તપાસ કરાશે. આર્થિક સહાય આપવાના રાજ્યના શિક્ષણ વિભાગના આદેશને પગલે રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સંચાલકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક મોનીટરીંગની કામગીરી કરવામાં આવે છે. ત્યારે નવી શિક્ષણ નીતિની અમલવારી કરવામાં આવતા શિક્ષણ વિભાગે શરૂ કરેલી યોજના મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ અંતર્ગત અનેક શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કરવામાં આવે છે. તેમાં હવે રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને શૈક્ષણિક કાર્યને લગતી શાળાઓમાં માળખાકિય સુવિધાઓ ઉભી કરવા માટે ખાસ ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક સહાય મેળવવા માટે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે. દરખાસ્તને 30મી, સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીમાં મોકલી આપવાની રહેશે.