મહિલા પ્રોફેસરને 22 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને ઠગે 78.5 લાખ પડાવ્યાં
નવી દિલ્હીઃ સીબીઆઈ અધિકારી તરીકે ઓખળ આપીને સાયબર ઠગોએ ઈન્દિરા નગરના લક્ષ્મણપુરી એક્સટેન્શનમાં રહેતી ખાનગી કોલેજની પ્રોફેસર પ્રમિલા માનસિંહને 22 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યાં હતા. આરોપીએ મહિલાને મની લોન્ડરિંગ કેસમાં દોષિત ગણાવીને 78.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ડિજિટલ એરેસ્ટ દરમિયાન, પ્રોફેસર ઘણા લોકોને મળ્યા, પરંતુ ડરના કારણે કોઈને કંઈ કહ્યું ન હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા પ્રોફેસર પ્રમિલા માનસિંહને 1લી માર્ચના રોજ સવારે 10 વાગ્યે, એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપી હતી, તેમજ કહ્યું હતું કે, દિલ્હીમાં તેમના નામે ઘણા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. જ્યારે પ્રમિલાએ આ વાતનો ઇનકાર કર્યો, ત્યારે ઠગે તપાસના નામે તેનો આધાર નંબર અને તેના બેંક ખાતાની સંપૂર્ણ વિગતો લઈ લીધી હતી. થોડા સમય પછી, તેણે ફરીથી વીડિયો કોલ કર્યો અને મની લોન્ડરિંગ કેસમાં દોષિત હોવાનું કહીને ધરપકડ કરવાની ધમકી આપી હતી.
આરોપીએ કહ્યું કે જો તે કાર્યવાહીથી બચવા માંગતી હોય તો તેણે તપાસમાં સહકાર આપવો પડશે. તમારે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. છેતરપિંડી કરનાર વ્યક્તિ વોટ્સએપ મેસેજ અને વીડિયો કોલ દ્વારા પ્રમિલા સાથે સતત સંપર્કમાં રહેતો હતો અને તેના પર માનસિક દબાણ લાવતો હતો. 22 દિવસની ડિજિટલ ધરપકડ દરમિયાન, મહિલાએ ડરના માર્યા 78.50 લાખ રૂપિયા વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. ઇન્સ્પેક્ટર બ્રજેશ કુમાર યાદવે જણાવ્યું હતું કે પીડિતાએ જે ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેની તપાસ ચાલુ છે.