યુપીના શાહજહાંપુરમાં એક પિતાએ ચાર બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી
લખનૌઃ શાહજહાંપુર જિલ્લામાં, એક વ્યક્તિએ તેના ચાર બાળકોનું ગળું કાપીને હત્યા કર્યા પછી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘરના મોભીએ ચાર સંતાનોની હત્યા કરીને કેમ જીવન ટુંકાવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ ઘટનાને લઈને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી.
પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુર ચાચરી ગામના રહેવાસી રાજીવ કુમાર (ઉ.વ. 36) એ તેના ચાર બાળકો સ્મૃતિ (ઉ.વ. 12), કીર્તિ (ઉ.વ 9), પ્રગતિ (ઉ.વ 7) અને ઋષભ (ઉ.વ 5) ની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી હતી અને પછી બીજા રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. પરિવારના સભ્યોની પૂછપરછ કર્યા પછી દ્વિવેદીએ કહ્યું કે ગુરુવારે સવારે 7 વાગ્યે જ્યારે રાજીવનો દરવાજો ખુલ્યો નહીં, ત્યારે તેના પિતા છત પર ચઢી ગયા અને સીડી દ્વારા ઘરની અંદર ગયા હતા. ત્યારબાદ તેને ઘટનાની જાણ થઈ અને તેણે પોલીસને જાણ કરી હતી.
તેમણે મૃતકના પિતાને ટાંકીને કહ્યું કે રાજીવનો એક વર્ષ પહેલા અકસ્માત થયો હતો જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેની સારવાર ચાલી રહી હતી. તેમણે કહ્યું કે આ કારણે રાજીવ ઘણીવાર ગુસ્સે થઈ જતો હતો અને બુધવારે રાજીવની પત્ની તેની માતાના ઘરે ગઈ હતી.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ગુનો કરતા પહેલા રાજીવે રાત્રે હથિયાર પણ ધારદાર બનાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી સેન્ડપેપર અને તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.