સોનીપત પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 3ના મોત
નવી દિલ્હીઃ સોનીપતના GT રોડ સેક્ટર 7 ફ્લાયઓવર પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. કારમાં પિતરાઈ ભાઈ-બહેન સહિત ચાર લોકો સવાર હતા. જેમાંથી ત્રણનું મોત થયું હતું. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન ડિવાઈજર સાથે અથડાયું હતું. જે બાદ સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બિનોલી ગામના રહેવાસી પ્રિન્સ (ઉ.વ 28)નો 2 જૂને જન્મદિવસ હતો. તેણે ઘરે જન્મદિવસ ઉજવ્યો હતો, પરંતુ ગુરુવારે, તેના મિત્રોને પાર્ટી આપવા માટે, તે કાર લઈને એક ઢાબા પર આવ્યો હતો. પ્રિન્સ સાથે તેનો પિતરાઈ ભાઈ આદિત્ય (ઉ.વ 25), મિત્ર વિશાલ (ઉ.વ 24) અને સિરસાલી ગામનો રહેવાસી સચિન પણ હતા. બધા મુર્થલમાં પરાઠા ખાધા પછી પાછા ફરી રહ્યા હતા. દરમિયાન, રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ, જીટી રોડ સેક્ટર ૭ ફ્લાયઓવર પાસે, સ્કોર્પિયો વધુ ઝડપે કાબુ ગુમાવી બેઠી હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ, કાર પલટી ગઈ અને બીજી બાજુ પહોંચી ગઈ હતી. ત્યાં એક ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રિન્સ, તેનો ભાઈ આદિત્ય અને સચિનનું મોત નીપજ્યું હતું. વિશાલની હાલત હજુ પણ ગંભીર છે. ઘટનાની માહિતી મળતાં, પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.