બનાસકાંઠામાં ખીમાણા ટોલ પ્લાઝા સામે 18મી ઓગસ્ટે ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન
- ટોલપ્લાઝા આજુબાજુના ખેડૂતોને ટોલમુક્તિની માગ કરી,
- સરકારના નિયમ મુજબ 20 કિલોમીટરમાં રહેતા લોકોને ટોલ ટેક્સ ભરવાનો હોતો નથી,
- ટોલ પ્લાઝાના સંચાલકો પ્લાઝા નજીકના ગામોના લોકોને ટોલમાંથી મુક્તિ આપતા નથી
પાલનપુરઃ નેશનલ હાઈવે પર આવેલા ખીમાણા ટોલ પ્લાઝા નજીક આવેલા ગામોના રહેવાસીઓએ ટોલ મુક્તિની માંગ સાથે આંદોલનની તૈયારી શરૂ કરી છે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ હેબતપુર પાટિયા નજીક દેવીમાતાના મંદિરે ખેડૂત આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાલનપુર અને અમીરગઢ તાલુકાના ગામોના મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થયા હતા. જેમાં એવા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ખીમાણા ટોલ પ્લાઝાના આજુબાજુના ગામોના લોકોને ટોલ પ્લાઝામાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો આગામી તા. 18મી ઓગસ્ટના રોજ ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજારથી વધુ ખેડૂતો ટોલપ્લાઝા પર રજૂઆત કરવા પહોંચશે અને રેલી યોજી ધરણાનો કાર્યક્રમ કરશે.
નેશનલ હાઈવે પર આવેલા ખીમાણા ટોલ પ્લાઝા નજીક આવેલા ગામોના રહેવાસીઓ ટોલ મુક્તિની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ટોલ પ્લાઝાને અડીને આવેલા ગામોના રહેવાસીઓને પણ ટોલ પ્લાઝાના સંચાલકો ટોલમાંથી મુક્તિ આપતા નથી. સરકારના નિયમ મુજબ 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને ટોલ ટેક્સ ભરવાનો હોતો નથી. પરંતુ ટોલનાકાના એક કિલોમીટરના વિસ્તારના લોકો પાસેથી પણ ટોલ ટેક્સ માંગવામાં આવે છે. ટોલ પ્લાઝાના કર્મચારીઓ સ્થાનિકોને પાસ કઢાવવાનું કહે છે. પરંતુ ખેડૂતોને મહિનામાં માત્ર એક-બે વખત જવાનું થાય તો તેમને ટોલ ટેક્સ અને પાસ બંને પોસાતા નથી. ખેડૂતોનું કહેવું છે કે અન્ય ટોલ પ્લાઝા પર આખા જિલ્લા માટે મુક્તિ આપવામાં આવે છે, પરંતુ તેઓ માત્ર પાલનપુર અને અમીરગઢ તાલુકા માટે જ મુક્તિ માંગી રહ્યા છે.
હાઈવે ઓથોરિટીને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા, ખેડૂતોએ આગામી 18 ઓગસ્ટે મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. આ દિવસે પાંચ હજારથી વધુ ખેડૂતો ટોલ પ્લાઝા પર ધરણા અને રેલીનું આયોજન કરશે.ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આ પછી પણ તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં મહિલાઓ સાથે મળીને વધુ મોટા આંદોલનનું આયોજન કરશે. તેઓ સરકારના 20 કિલોમીટરના નિયમનું પાલન કરાવવા માટે દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.
આ અંગે ખેડૂત આગેવાન માવજીભાઈ લોહે જણાવ્યું હતું કે, ખીમાણા ટોલનાકુ વર્ષોથી છે, પરંતુ દર વર્ષે અલગ અલગ કંપનીઓ દ્વારા તેનો કોન્ટ્રાક્ટ લેવામાં આવતો હોય છે. કંપની તેના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે જે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો નિયમ છે. આ ટોલનાકાએ પાસે સર્વિસ રોડ નથી આપ્યો, બીજી કોઈ અમારે સુવિધા જોવતી નથી. ટોલનાકાના એક કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ ટોલટેક્સ માંગે છે. ટોલ કર્મચારીઓ કહે છે, પાસ નીકાળી દો પરંતુ ખેડૂતોને મહિનામાં એકથી બે વખત જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી. જે પાસ આપવાની નીતિ છે. તે ખોટી છે. ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને નક્કી કર્યું છે કે, આવતી 18 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજારથી વધુ ખેડૂતો ટોલટેક્સ ઉપર રજૂઆત કરવા પહોંચશે અને રેલી યોજી ધરણાનો કાર્યક્રમ કરશે.