લીંબડીના શિયાણી ગામની માઈનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોએ વિરોધ કર્યો
- ખેડુતોએ માઈનોર કેનાલમાં બેસીને રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો,
- જીરૂ અને વરિયાળીના પાક પાણી વિના મુરઝાઈ રહ્યા છે
- ઉપરવાસમાં કેટલાક ખેડુતો દ્વારા પાણી રોકવામાં આવતી હોવાની પણ ફરિયાદ
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામની સીમમાં નર્મદાની માઈનોર કેનાલ દ્વારા સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે. ત્યારે હાલ જીરૂ અને વરિયાળીના પાકને પાણીની જરૂર હોવા છતાં કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી. તેથી ખેડૂતોએ માયનોર કેનાલ પર એકત્ર થઈ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. શિયાણી ગામના ખેડૂતોને સિંચાઇ માટે કેનાલ દ્વારા પાણી નહીં મળતા રામધૂન બોલાવી વિરોધ કરી કુંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.
શિયાણી ગામના ખેડુતોના કહેવા મુજબ લીંબડી તાલુકાના ઝાપોદર, ખજેલી, ભડીયાદ સહિતના ગામોના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માઈનોર કેનાલમાં પાણી રોકવામાં આવતું હોવાથી શિયાણી ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતુ નથી. ત્યારે નર્મદા વિભાગ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરી શિયાણી ગામના ખેડૂતોને કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી રહ્યા છે.
આ અંગે શિયાણી ગામના ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતુ કે, આ માઈનોર કેનાલમાં પાણી આવતું નથી. શિયાળુ સીઝનમાં પાણી આપવાનું સરકારે નક્કી કર્યું છે, જેમાં દોલતપર, ભડીયાદ અને સાકરી એમ ત્રણ ગામો આ કેનાલ પર આવે છે. અત્યારે અહીં મુખ્ય પાક જીરું છે, જીરું, વરિયાળી અને ઘઉંના પાકમાં ખેડૂતોને પાણીની જરૂર છે, પણ પાણી આવતું નથી, અને ખેડૂતો અત્યારે પાણી વિના પાયમાલ થઇ ગયા છે. ખર્ચો ખુબ ઊંચો છે, જો જીરું અને વરિયાળીના પાક માટે પાણી નહીં આવે તો શિયાણી ગામના ખેડૂતો શું કરશે એ ચિંતાનો વિષય છે. આથી આ કેનાલમાં તંત્ર દ્વારા તાકીદે ખેડૂતોના હિતમાં પાણી છોડવામાં આવે એવી ખેડૂતોની માંગ છે.