ભારતમાલા હાઈવે પ્રજેક્ટમાં ખેડૂતોને પુરતું વળતર ન મળતા રેલી કાઢીને આક્રોશ વ્યક્ત કરાયો
- કાંકરેજ, દિયોદર,લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ વળતરની માંગ કરી,
- ખેડૂતોની 1500 વીઘા જમીન માટે 50 કરોડ, બિલ્ડરોની 70 વીઘા માટે 350 કરોડનું વળતર
- ખેડૂતોની માગણી નહી સ્વીકારાય તો ગાંધીનગરમાં મોરચો મંડાશે
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થતાં ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પુરતુ વળતર ન મળતા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદનમાં ઓછું વળતર મળવાના આક્ષેપ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગઈકાલે પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા. ચડોતર ગામ નજીકથી રેલી સ્વરૂપે કલેકટર કચેરી સુધી પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવાની માંગ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા એક્સપ્રેસ હાઈવે સામે ખેડૂતોનો વિરોધ ઊભો થયો છે. જિલ્લાના કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદનમાં ઓછું વળતર મળવાના આક્ષેપ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા. ચડોતર ગામ નજીકથી રેલી સ્વરૂપે કલેકટર કચેરી સુધી પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવાની માંગ કરી હતી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરી આંદોલન કરશે.
જિલ્લાના કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ ગુરૂવારે પાલનપુરમાં રેલી કાઢી હતી. તેમણે ભારતમાલા હાઇવેની સંપાદિત થયેલી જમીનનું પુરતુ વળતર આપવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતુ. અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોએ જણાવ્યું હતુ કે, તેમને પ્રતિ ચોરસ મીટરે માત્ર 20થી 22 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. જ્યારે તેમની નજીકની એનએ કરેલી જમીન માટે બિલ્ડરો અને વેપારીઓને પ્રતિ ચોરસ મીટરે 4000થી 4500 રૂપિયા મળી રહ્યા છે. 20-22 રુપિયામાં પાણીની બોટલ નથી મળતી કે છાશની થેલી નથી મળતી સરકાર અભણ ખેડૂતોને છેતરી રહી છે. જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આ રેલી પાલનપુરથી ગાંધીનગર જતાં વાર નહીં કરે. ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતોની કુલ 1500 વીઘા જમીન સંપાદન થાય છે, જેમાં તેમને વિઘા દીઠ માત્ર 2થી 5 લાખ સુધીનું વળતર આપવાની વાત છે. બીજી તરફ, વેપારીઓ અને બિલ્ડરોની 70 વીઘા એનએ કરેલી જમીન માટે વિઘા દીઠ 4 કરોડ જેટલું વળતર આપવાની ચર્ચા છે. આમ, ખેડૂતોની 1500 વીઘા જમીનનો ભાવ 50 કરોડ થાય છે, જ્યારે માત્ર 70 વીઘા વેપારી-બિલ્ડરોની જમીન માટે 350 કરોડ ચૂકવવાની વાત છે.