નાગપુરમાં ખેડૂતોનો લોન માફી માટે વિરોધ યથાવત, ટ્રાફિક જામ કરીને ટ્રેનો રોકવાની ચીમકી આપી
નવી દિલ્હી: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુના નેતૃત્વમાં નાગપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ રહ્યું. પ્રદર્શનકારીઓએ રાજ્યભરના દેવાગ્રસ્ત ખેડૂતો માટે તાત્કાલિક અને બિનશરતી લોન માફીની માંગ કરી છે.
નાગપુર-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર સેંકડો ખેડૂતો એકઠા થયા હતા અને ટ્રાફિક રોકી દીધો હતો અને કૃષિ સંકટના ઉકેલમાં રાજ્ય સરકારની કથિત નિષ્ક્રિયતા બદલ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કડુએ ચેતવણી આપી હતી કે જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બનશે.
કડુએ કહ્યું, "હવે અમે બપોરે ટ્રેનો બંધ કરીશું. અમારા ખેડૂતો દેવામાં ડૂબેલા છે. જો રાજ્ય સરકાર પાસે પૈસા નથી, તો કેન્દ્ર સરકારે મદદ કરવી જોઈએ." પ્રહાર પાર્ટીના નેતાએ સરકાર પર પાક વળતર અને ભાવ ખાતરી માટેની ખેડૂતોની માંગણીઓને અવગણવાનો આરોપ પણ લગાવ્યો.
પાકનો પૂરો ભાવ નથી મળી રહ્યો
કડુએ વધુમાં કહ્યું, “ખેડૂતો સોયાબીન માટે 6,000 રૂપિયા અને દરેક પાક પર 20 ટકા બોનસની માંગ કરી રહ્યા છે. મધ્યપ્રદેશે ભાવાંતર યોજના લાગુ કરી છે, પરંતુ મહારાષ્ટ્રમાં એક પણ પાકને તેનો પૂરો ભાવ નથી મળી રહ્યો. મુખ્યમંત્રી પાસે ખેડૂતોને મળવાનો પણ સમય નથી. તેમણે દાવો કર્યો હતો કે એક થી દોઢ લાખ ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ચૂક્યા છે અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ગુરુવાર સુધીમાં બીજા એક લાખ ખેડૂતો પણ તેમાં જોડાશે એવો અંદાજ છે.
આ મહિનાની શરૂઆતમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના 29 જિલ્લાઓમાં પૂર અને કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 31,628 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં 68 લાખ હેક્ટર ખેતીલાયક જમીન પરના પાકના નાશ માટે ખેડૂતોને 10000 રૂપિયાની રોકડ રાહતનો સમાવેશ થાય છે. જોકે, વિરોધીઓએ આ પેકેજને અપૂરતું ગણાવ્યું છે અને ગ્રામીણ મુશ્કેલીઓને રોકવા માટે કૃષિ લોન સંપૂર્ણ માફ કરવાની માંગ કરી રહ્યા છે.