ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદનમાં ખેડૂતોને પુરૂ વળતર ન મળતા ખેડૂતોનો વિરોધ
- ડીસા નાયબ કલેકટર કચેરીએ ખેડૂતોએ રામ-ધૂન બોલાવી,
- લાખણી, ભાભર, દિયોદર, અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ કર્યો વિરોધ,
- ખેડૂતો કહે છે, જમીનનો ભાવ માત્ર 21 રૂપિયા પ્રતિ મીટર મળી રહ્યો છે, જે ઓછો છે.
ડીસાઃ થરાદથી અમદાવાદ સુધીના ભારત માલા હાઈવેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને પુરતુ વળતર ન મળ્યાની ફરિયાદો ઊઠી છે. અને ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે બનાલકાંઠાના લાખણી, ભાભર, દિયોદર, કાંકરેજના ખેડૂતોએ ડીસા નાયબ કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી. કે જમીનના પ્રતિ મીટર રૂપિયા 21ના ભાવ અપાયો છે. જે અપુરતું છે. ખેડૂતોએ વિરોધ દર્શાવી કચેરીમાં જ રામધૂન બોલાવતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનમાં ઓછા ભાવ મળતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં લાખણી, ભાભર, દિયોદર, અને કાંકરેજ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કચેરીમાં રામધૂન બોલાવીને સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ખેડૂતોનું કહેવું છે કે ભારતમાલા પ્રોજેક્ટમાં સંપાદન થયેલી જમીનનો ભાવ તેમને માત્ર 21 રૂપિયા પ્રતિ મીટર મળી રહ્યો છે, જે અત્યંત ઓછો છે. મોંઘવારીના સમયમાં 21 રૂપિયામાં છાસની એક થેલી પણ નથી આવતી. જમીનનો યોગ્ય અને વ્યાજબી ભાવ ચૂકવવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે ખેડૂતોએ અગાઉ પણ વિરોધનો કાર્યક્રમ આપ્યો હતો. અને ગાંધીનગર સુધી રજુઆતો કરવામાં આવી હતી. છતાંયે પ્રશ્નનો કાઈ નિવેડો આવ્યો નથી.