કામરેજમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું શક્તિ પ્રદર્શન, સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયો
- ખેડૂત સંમેલનમાં 5000 ખેડૂતો ઉમટી પડ્યા,
- ખેતરોમાંથી પસાર થતી વીજટાવર લાઇનનો વિરોધ કરાયો,
- APMC એક્ટના સુધારા રદ કરવા માગણી
સુરત: જિલ્લાના કામરેજ તાલુકાના ગાયપગલાં ખાતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂત ચેતના મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં અંદાજે 5000 જેટલા ખેડૂતો ઉમટી પડ્યા હતા. ચાલુ વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ મક્કમતા બતાવી હતી, ખેડૂતોના 35 જેટલા મુખ્ય પ્રશ્નો ન ઉકેલાતા સરકાર સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. ખેડૂતોએ સરકતાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
કામરેજ તાલુકાના ગાયપગલાં ખાતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા યોજાયેલા ખેડૂત ચેતના સંમેલનમાં ખેડૂતોએ તેમની મુખ્ય માંગણીઓ અને સમસ્યાઓ પર ધારદાર ચર્ચા કરી હતી. સૌથી મહત્ત્વના મુદ્દાઓમાં ખેતરોમાંથી પસાર થતી વીજટાવર લાઇનનો વિરોધ અને થાંભલા દીઠ ₹ 2 કરોડનું વળતર આપવાની માંગણી હતી. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, કચ્છના ખાવડાથી નવસારી સુધી 14 જિલ્લાઓમાંથી પસાર થનારી 765 KVની વીજ લાઈનો સામે ખેડૂતોએ આંદોલન કરવું પડશે. આ ઉપરાંત, તેમણે ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઇલેક્ટ્રિસીટી એક્ટ 2003 ને નાબૂદ કરવાની પણ માંગ કરી.
આ ઉપરાંત કામરેજના ગામોમાં લીગનાઇટ માઇનિંગ (ખનન) માટે GMDC દ્વારા 1600 હેક્ટર જમીન સંપાદન કરવાના પ્રયાસોનો વિરોધ કરીને ઠરાવ કરવામાં આવ્યો હતો. ભરૂચના સહકારી નેતા સંદીપ માંગરોલાએ લીગનાઇટ પ્રોજેક્ટ સામે ગ્રામસભામાં વિરોધ ઠરાવ કરવાની હાકલ કરી હતી. સહકારી સંસ્થાઓના વહીવટ અંગે વક્તાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સંદીપ માંગરોલાએ આક્ષેપ કર્યો કે સરકાર સહકારી સુગર મિલોને ખાનગી કંપનીઓને સોંપી દેવા માંગે છે અને સહકારી સંસ્થાઓમાં ચૂંટણી નહિ કરાવીને મનસ્વી વહીવટ ચાલી રહ્યો છે.
ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્ર સરકારમાં બનાવેલું સહકાર મંત્રાલય ખેડૂતોની સહકારી સંસ્થાઓનું નિકંદન કાઢવા માટે બનાવાયું છે. અર્થશાસ્ત્રી હેમંત શાહે પણ સહકારી મંડળીઓને ખતમ કરવાનો કારસો રચવામાં આવ્યો હોવાનું જણાવી ખેડૂતોને લોકશાહી અને અધિકારો માટે લડવાનું આહવાન કર્યું. ખેડૂતોએ APMC એક્ટના સુધારા રદ કરવા, કાકારાપર જમણા કાંઠા નહેરોમાં 90 દિવસ પાણી બંધ કરવાનો નિર્ણય રદ કરવો, તેમજ રાજ્યની ગોચર જમીન અને પડતર જમીનના ઉપયોગ માટે નીતિ સ્પષ્ટ કરવા માંગણી કરી હતી.