ઝાલાવાડના ખેડુતો વઢવાણી મરચાની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે
- ખેડૂતોને પ્રતિ કિલો ₹120ની આસપાસ ભાવ મળી રહ્યો છે
- દર આઠ દિવસે લગભગ 400 કિલો જેટલું ઉત્પાદન
- વઢવાણી રાયતા મરચાની માગમાં પણ વધારો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વઢવાણ, ચુડા સાયલા અને ધ્રાંગધ્રા સહિત તાલુકામાં વઢવાણી મરચાનું સારૂએવું ઉત્પાદન થઈ રહ્યું છે. અને આ વખતે વઢવાણી મરચાના સારા ભાવ મળતા હોવાથી ખેડુતોને રાહત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ બાગાયતી ખેતી તરફ વળીને નવી દિશા અપનાવી છે. વઢવાણમાં રાયતા મરચાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. જે અનેક મહિલાઓને રોજગારી આપી રહ્યો છે. વઢવાણી રાયતા મરચાની સોડમ છેક વિદેશ સુધી ફેલાયેલી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની સીઝનમાં વઢવાણી મરચાની ખેતી કરીને ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે. વઢવાણ, ચુડા, ચોકડી, સાયલા અને ધ્રાંગધ્રા તાલુકાના ગામડાંના ખેડૂતો મોટા પ્રમાણમાં મરચાનું વાવેતર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને પથુગઢ, વેળાવદર, ખોડું અને ચુલી જેવા ગામના ખેડૂતો લીલા મરચાની ખેતી દ્વારા સારી આવક મેળવી રહ્યા છે. વર્તમાન સમયમાં ખેડૂતોને પ્રતિ કિલો ₹120ની આસપાસ ભાવ મળી રહ્યો છે. અને દર આઠ દિવસે લગભગ 400 કિલો જેટલું ઉત્પાદન મેળવી શકે છે.
ખેડુતોના કહેવા મુજબ વઢવાણી મરચાની માંગ ખાસ કરીને ઠંડીની ઋતુમાં વધુ રહે છે. ખેડૂતો વઢવાણ માર્કેટિંગ યાર્ડ અને શાકભાજીના હોલસેલ વેપારીઓને મરચાનું વેચાણ કરે છે. આ મરચાની માંગ માત્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યો અને વિદેશમાં પણ રહે છે. ખેડૂતો હવે મરચા અને મરચાના પાવડર બંનેનું વેચાણ કરવા લાગ્યા છે, જેનાથી તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે.