પાટણ જિલ્લામાં યુરિયા-ડીએપી ખાતરની તંગી સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
- ખાતરની તંગી અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રીને પત્ર લખી રજુઆત કરી,
- રવિ સીઝનની વાવણીવા સમયે ખાતરીની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં,
- યુરિયા ખાતર કાળા બજારમાં વેચાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ
પાટણઃ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની કૃત્રિમ અછત સર્જાતા રવિપાકની સીઝન ટાણે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને રાસાયણિક ખાતર કાળાબજારમાંથી લેવાની ફરજ પડી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. તેમણે ખેડૂતોને પૂરતો જથ્થો પૂરો પાડવા અને કાળા બજાર અટકાવવા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.
ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રીને લખેલા પત્રમાં રજુઆત કરી છે કે, પાટણ જિલ્લામાં વાવણીનો સમય ચાલી રહ્યો છે અને ઊભા પાક માટે યુરિયા તથા ડીએપી ખાતરની વિશેષ જરૂરિયાત છે. ત્યારે ખેડૂતોને ખરીદ-વેચાણ સહકારી મંડળીઓ અને બજારમાંથી પૂરતું ખાતર મળતું નથી.ખેડૂતો તરફથી સતત ફરિયાદો મળી રહી છે. ખેડુતો યુરિયા-ડીએપી ખાતર લેવા માટે મંડળીઓમાં જાય છે. અને ખાતર લીધા વિના જ પરત ફરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ખાતરના કાળા બજારની પ્રવૃત્તિઓ વધી છે, જ્યાં ખેડૂતોને ઊંચા ભાવે ખાતર ખરીદવાની ફરજ પડી રહી છે.
ધારાસભ્યએ કૃષિ મંત્રીને કરેલી રજૂઆતમાં તાત્કાલિક તપાસ કરાવવા અને ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. તેમણે કાળા બજાર અટકાવવા માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપવા પણ જણાવ્યું છે.