ગુજરાતમાં ખેડૂતોને હવે ટ્રેકટરની ખરીદી પર રૂ. એક લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે
- ટ્રેક્ટર સહિત મશીનરીની ખરીદી માટે 1.92.700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા,
- બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી રૂ. 800 કરોડની જોગવાઈ,
- ગુજરાત સરકારે 10 વર્ષમાં ટ્રેકટર માટે 3.24 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવાઈ
ગાંધીનગરઃ ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખેડૂતોનો ફાળો મહત્વપૂર્ણ છે. આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત સાધનો સહિતના સંસાધનનોનું સ્થાન હવે ટ્રેક્ટર, રોટાવેટર જેવા અદ્યતન મશીનરીએ લીધું છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી ખેડૂતોનો એક મોટો વર્ગ આ સાધનોની ખરીદી કરી શકતો નથી. જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિવિધ મશીનરીની ખરીદીમાં તમામ વર્ગના ખેડૂતોને નાણાંકીય સહાય આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યારસુધીનો સર્વોચ્ચ વધારો કરીને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના 80.000 ખેડૂતોને સહાય આપવાના લક્ષ્યાંક સાથે રૂ. 800 કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે, જે ગત વર્ષની બજેટ જોગવાઈની સરખામણીએ બમણી છે. આ ઉપરાંત કંબાઈન હાર્વેસ્ટર, પાવર ટીલર તેમજ રોટાવેટર, ઓટોમેટીક ઓરણી, પ્લાઉ, થ્રેશર જેવા ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે પણ બજેટમાં રૂ. 590.98 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે, જે ગત વર્ષની જોગવાઈની સાપેક્ષે બમણાથી પણ વધુ છે.
ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાયરૂપ થવા કૃષિ વિભાગ દ્વારા 80.000 ખેડૂતોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં આશરે 76.000 જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ખેત ઓજારોની ખરીદી માટે પણ રાજ્યના 1.16.700થી વધુ ખેડૂતોને ખેત ઓજારોની ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આમ, ટ્રેક્ટર સહિતની વિવિધ મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા એકંદરે કુલ 1.92.700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી આપી દેવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દરેક તબક્કે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં છેલ્લા દશ વર્ષમાં ટ્રેક્ટરની ખરીદી માટે 3.24 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને કુલ રૂ. 1.542 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેક્ટર સિવાયની અન્ય મશીનરીની ખરીદી માટે પણ છેલ્લા દશ વર્ષમાં 3.79 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. 1.238 કરોડથી વધુ સહાય આપવામાં આવી છે. આમ, ગુજરાતના ખેડૂતોને છેલ્લા એક દાયકામાં મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 2.780 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.