ખેડૂતો હવે રી-જનરેટિવ ફાર્મિંગમાં અગ્રણી સંસ્થાઓ સાથે જોડાઈને કાર્બન ક્રેડિટથી વધારાની આવક મેળવી શકશે
નવી દિલ્હીઃ ભારતીય ખેડૂતો હવે રી-જનરેટિવ ફાર્મિંગમાં અગ્રણી સંસ્થાઓ સાથે જોડાઈને કાર્બન ક્રેડિટથી વધારાની આવક મેળવી શકશે. આ માટે રૂપે એપ અને કાર્બન- જી એ પરસ્પર કરાર કર્યા છે. આ સંસ્થાઓના સહયોગથી ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવાના પ્રયાસો કરાશે.
કાર્બન ક્રેડિટ મારફતે ખેડૂતો જોડાઈને પર્યાવરણ માટે ફાયદાકારક ખેતી અપનાવી શકે છે અને વધારાની આવક મેળવી શકે છે. આ માટે અમદાવાદમાં ખેડૂતો માટે ખાસ "કાર્બન ક્રેડિટ મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાતોએ ભારતમાં કાયમી અને મુક્ત ખેતીના ભવિષ્ય વિષે ચર્ચા કરી હતી.
ખેતીના હરિયાળા ભવિષ્ય માટે ખેડૂતોને સશક્ત બનાવવું પડશે. અને સજીવ પુનર્જીવિત કૃષિમાં ખેડૂતોએ આગામી સમયમાં મોટું પરિવર્તન લાવવું પડશે. જે જમીનની ફળદ્રુપતા, જૈવિક વિવિધતા અને કાર્બન સંગ્રહમાં સુધારો લાવશે... પરિણામે ખેડૂતો માટે વધારાની આવકનો સ્ત્રોત પણ પૂરો પાડવામાં આવશે.
હાલ આ ડિજિટલ ઈકોસિસ્ટમ 6 રાજ્યોમાં 10,000 થી વધુ ખેડૂતો સુધી પહોંચી છે 5,000થી વધુ એક્કરમાં ખેતીની જમીન પર કાયમી ધોરણે ખેતીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ભારતીય ખેડૂતો હવે દરેક કાર્બન ક્રેડિટ માટે €8 કમાઈ શકે છે, જે એક નિશ્ચિત કિંમત છે. આ કિંમત બજારની ઉથલપાથલથી પ્રભાવિત થતી નથી.