વડોદરામાં ડિજિટલ અરેસ્ટથી કંટાળીને ખેડૂતે ઝેર પી જીવન ટુંકાવ્યું
વડોદરાઃ વડોદરા જિલ્લામાં ડિજિટલ અરેસ્ટના ત્રાસના કારણે એક ખેડૂતે આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના મૂળ રહેવાસી અને હાલમાં વડોદરામાં નિવાસ કરતા અતુલભાઈ પટેલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, સાયબર ગઠિયાઓએ ATSના અધિકારી બની ખેડૂતને ફોન કરી જણાવ્યું કે તેમના નામે 40 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે. ત્યારબાદ અતુલભાઈને “ડિજિટલ અરેસ્ટ” કરી દેવાની ધમકી આપવામાં આવી અને દર 5 મિનિટે કોલ, વોટ્સએપ મેસેજ અને વિડિયો કોલ દ્વારા સતત દબાણ કરવામાં આવતું હતું. તેમણે પરિવારને જણાવ્યું હતું કે કોલમાં તેમને અટકાયત અને કાયદાકીય પગલાંની વાતો કરી ભયભીત કરવામાં આવી રહ્યા હતા. સતત માનસિક પીડા અને ત્રાસને કારણે તેમણે અંતે કંટાળીને આત્મહત્યા કરી હોવાનો પ્રાથમિક દાવો પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
આ ઘટનાને પગલે અતુલભાઈના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર વડોદરામાં રહેતો હતો જ્યારે તેમનું મુળ સ્થળ કાયાવરોહણ ગામ છે. હાલમાં પોલીસે સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સાયબર ગઠિયાઓએ કઇ રીતે ખેડૂતને ટાર્ગેટ કર્યો, કયા નંબર પરથી કોલ કરવામાં આવ્યા અને ધમકીઓ કોણ આપે છે તેની તપાસ ચાલી રહી છે.