પાકિસ્તાનમાં જાણીતી અભિનેત્રી હુમૈરા અસગર અલીની લાશ ઘરમાંથી મળી, બે અઠવાડિયા પહેલા થયું હતું અવસાન
પાકિસ્તાની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ હુમૈરા અસગર અલી મૃત હાલતમાં તેના જ એપાર્ટમેન્ટમાં મળી આવી હતી. હુમૈરા 32 વર્ષની હતી અને કરાચી સ્થિત ડિફેન્સ હાઉસિંગ ઑથોરિટીના એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી, જ્યાં તેનો મૃતદેહ મળી આવ્યો છે. એક્ટ્રેસનું મોત 2 અઠવાડિયા પહેલાં થઈ ચુક્યું હતું પરંતુ, આ વિશે કોઈને જાણ થઈ ન હતી. અભિનેત્રી હુમૈરા અસગર અલીના અવસાનથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હુમૈરા અસગર અલી પાકિસ્તાની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતી. તેણે નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી.
આ અંગે DIG સૈયદ અસદ રઝાએ જણાવ્યું કે, 'અલીનો મૃતદેહ ફેઝ-VIમાં ઇત્તેહાદ કોમર્શિયલના એક ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે 'તેનું મૃત્યુ બે અઠવાડિયા પહેલા થયું હતું, પરંતુ નજીકમાં રહેતા લોકોને તેની જાણ ન હતી થઈ. સ્થાનિક કોર્ટના આદેશ પર ગિજરી પોલીસ એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસે બપોરે 3:15 વાગ્યે દરવાજો ખખડાવ્યો, ત્યારે કોઈએ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ પોલીસે તાળું તોડીને એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો, જ્યાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પુરાવા એકત્રિત કરવા માટે પોલીસના ક્રાઈમ સીન યુનિટને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યું હતું. એક્ટ્રેસ એપાર્ટમેન્ટમાં ભાડા પર રહેતી હતી. તેણે 2024થી મકાનમાલિકને ભાડું આપવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ કોર્ટે તેને ઘર ખાલી કરવાનો આદેશ પણ આપ્યો હતો.'
DIGએ કહ્યું કે, 'એવું લાગતું હતું કે, લાશ ઘણા દિવસો જૂની હતી. શરૂઆતની તપાસ દરમિયાન, મૃત્યુનું કારણ જાણી શકાયું ન હતું. મૃતદેહને કાનૂની કાર્યવાહી માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવી છે.' પોલીસ સર્જન ડૉ. સુમૈયા સૈયદ કહે છે કે 'લાશ લગભગ સડવાના એડવાન્સ સ્ટેજ પર હતી. હાલમાં, તેની તપાસ ચાલી રહી છે.'