પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન, રાષ્ટ્રપતિ અને પીએમએ પાઠવી શ્રદ્ધાંજલી
મુંબઈઃ પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. શ્રી બેનેગલની ગણના સમાંતર સિનેમાના અગ્રણી દિગ્દર્શકોમાં થાય છે. શ્રી બેનેગલે અંકુર, મંડી, નિશાંત, જુનૂન, મંથન, ભૂમિકા, વેલકમ ટુ સજ્જનપુર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઝુબેદા, સરદારી બેગમ, મામ્મો અને સૂરજ કા સાતવાન ઘોડા જેવી ફિલ્મો આપી. તેમના દ્વારા દિગ્દર્શિત દૂરદર્શન સિરિયલ ભારત એક ખોજ ટેલિવિઝન ઇતિહાસમાં એક અવિસ્મરણીય પ્રસ્તુતિ છે.
શ્રી બેનેગલને 1976માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. તેમને તેમના યોગદાન માટે ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પાંચ વખત શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનાર તે એકમાત્ર ફિલ્મ નિર્દેશક છે. શ્યામ બેનેગલને કલાના ક્ષેત્રમાંતેમના યોગદાન બદલ વર્ષ 1991માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, “શ્યામ બેનેગલના નિધનથી ભારતીય સિનેમા અને ટેલિવિઝનના એક ગૌરવશાળી અધ્યાયનો અંત આવ્યો છે. તેણે એક નવા પ્રકારનું સિનેમા રજૂ કર્યું અને ઘણી ક્લાસિક ફિલ્મો બનાવી. તેમણે ઘણા કલાકારોને તૈયાર કર્યા. તેમના અસાધારણ યોગદાન માટે તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને પદ્મ ભૂષણ સહિતનાં પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પરિવારના સભ્યો અને તેમના અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના.
ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું, “શ્યામ બેનેગલના નિધનથી દુઃખી છું. બેનેગલની ફિલ્મો સામાજિક વાસ્તવિકતાઓને અજોડ ઊંડાણ અને સંવેદનશીલતા સાથે સંબોધિત કરતી હતી. કલા, સંસ્કૃતિ અને વાર્તા કહેવા માટેના તેમના યોગદાનને હંમેશા આદર સાથે યાદ કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરીને લખ્યું કે, “શ્યામ બેનેગલના નિધનથી ખૂબ જ દુઃખી છું, જેમની વાર્તા કહેવાની કળાએ ભારતીય સિનેમા પર ઊંડી અસર છોડી છે. તેમના કાર્યની હંમેશા જીવનના વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
લોકસભા અધ્યક્ષે કહ્યું, “હું જાણીતા ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કરું છું. શ્યામ બેનેગલે ભારતીય સિનેમાને વિશ્વ મંચ પર સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઘણા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત, બેનેગલનું અવસાનએ કલા અને ફિલ્મ જગત માટે અપુરતી ખોટ છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “દ્રષ્ટા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલના નિધનથી દુઃખી છું, જેમણે ભારતની વાર્તાઓને ઊંડાણ અને સંવેદનશીલતા સાથે જીવંત કરી હતી. સિનેમામાં તેમનો વારસો અને સામાજિક મુદ્દાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા ઘણી પેઢીઓને પ્રેરણા આપશે. વિશ્વભરના તેમના પ્રિયજનો અને ચાહકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, શ્યામ બેનેગલે ભારતીય સમાજની વેદના, સંઘર્ષ અને પરિવર્તનની વાર્તાઓને પડદા પર જીવંત કરી છે. 'નિશાંત'ની સંવેદનશીલતા, 'મંથન'નો સંદેશ અને 'ભારત એક ખોજ'ની ફિલસૂફી - તેમની દરેક રચના પ્રેરણારૂપ છે. કલા દ્વારા સમાજ અને સમય સાથે સંવાદ કરનારા તેઓ સાચા સાથી હતા. આજે સિનેમામાં જાહેર અવાજના યુગનો અંત આવ્યો છે. નમ્ર શ્રદ્ધાંજલિ.