જાણીતા ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસી આગામી દિવસોમાં ભારત આવશે
કેરળ સરકારે જાહેરાત કરી હતી કે દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ આવતા વર્ષે કેરળની મુલાકાત લેશે. કેરળના રમતગમત મંત્રી વી.અબ્દુરહીમાને કહ્યું કે વિશ્વ વિખ્યાત ટીમ કેરળમાં બે ફ્રેન્ડલી મેચ રમશે, જેનું આયોજન રાજ્ય સરકારની સંપૂર્ણ દેખરેખ હેઠળ કરવામાં આવશે. અબ્દુરહીમાને કહ્યું કે સ્થળ અને વિરોધી ટીમ પછીથી નક્કી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, "લિયોનેલ મેસ્સી સહિત વિશ્વની નંબર વન ફૂટબોલ ટીમ આર્જેન્ટિના કેરળ આવી રહી છે, અહીં બે મેચ થશે." અબ્દુરહીમાને કહ્યું કે આર્જેન્ટિના ટીમ મેનેજમેન્ટ ટીમના રાજ્ય પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરશે. મંત્રીએ કહ્યું કે ફૂટબોલ ટીમ સાથે જોડાયેલા લોકો દોઢ મહિનામાં કેરળ આવશે.
તેમણે કહ્યું કે અમે (સરકારે) આ અંગે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ મેનેજમેન્ટ સાથે સંયુક્ત જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીએ કહ્યું કે તેઓ તાજેતરમાં આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવા અને તેમને રાજ્યની મુલાકાત માટે સત્તાવાર આમંત્રણ આપવા માટે સ્પેનની મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું કે ટીમ સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી, જેઓ 2025માં ભારત આવવા અને ફ્રેન્ડલી મેચમાં ભાગ લેવા માટે સંમત થયા હતા. ટીમના આગમન પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.